દિલ્હીમાં ગુજરાતીઓ ઓનલાઇન માતૃભાષા સંવાદમાં જોડાયા

નાનપણમાં ભણેલી કવિતા અને ગીતોની મોજ માણી  

નવી દિલ્હીઃ દિલ્હીમાં ગુજરાતીઓએ માતૃભાષા ગુજરાતીની પ્રવાહિતા વધારવા ડિજિટલ સંવાદથી જોડાવાની નવી પહેલ કરી છે. ‘મારી ભાષા ગુજરાતી’ વિષય પર ઓનલાઇન સભા રવિવાર, ૨૧ જૂન ૨૦૨૦ને સાંજે ૪થી ૫.૩૦ દરમિયાન વેબેક્ષ પ્લેટફોર્મ પર યોજાઈ ગઈ. વેબિનાર પ્રણાલીમાં લોકો વચ્ચે આત્મીય અને ભાવાત્મક લાગણીની આપલેનો આ એક નવો નોખો અને વિશિષ્ટ પ્રકારનો અનુભવ બની રહ્યો છે.

૧૦૦ મિનિટ પ્રોગ્રામ અંતર્ગત દસ વક્તાઓએ બાળપણમાં ભણેલાં યાદગાર કવિતા-ગીત રજૂ કરી સૌને પોતાના બાળપણની મધુર યાદોમાં સહેલગાહ કરાવી હતી.

દિલ્હીના ગુજરાતીઓ જગદીપ રાણા, મનોજ બારોટ, ડી.કે. શાહ, હિતેશ અંબાણી તથા અન્યોએ પોતાને ભણવામાં આવેલી કવિતાઓ ગાઈ સંભળાવી હતી. રાણાએ મેઘાણીના પ્રખ્યાત કાવ્ય ‘ચારણકન્યા’ની બહુ પ્રભાવશાળી રજૂઆત કરી જ્યારે બારોટે દુલા કાગની અમર વાણી ‘આવકારો મીઠો આપજે..’ ભાવમય બુલંદ સ્વરે સંભળાવી હતી.

અંબાણીએ કરસનદાસ માણેકની રચના ‘મને એ સમજાતું નથી..’ અને શાહે ‘મંગલ મંદિર ખોલો’ પ્રાર્થના ગીત ગાયું હતું.

રેણુકા બારોટે ‘જીવન અંજલિ થાજો..’ અને યુવા ગાયિકા હેતલ રાણાએ ધ્રુવ ભટ્ટની રચના ‘રસ્તામાં કોઈ મને ઓચિંતું મળે..’ સુરીલા સ્વરે રજૂ કરી સૌને ડોલાવ્યા હતા.

રાજેશ ઝોંસાએ ‘જળકમળ છાંડી જા..’ અને ભરૂચથી કીર્તિ પાઠકે ”તું રમવા આવ મજાની ખિસકોલી..’ કવિતાની સરસ રજૂઆત કરી હતી. અમદાવાદથી પત્રકાર રમેશ તન્નાએ ‘નરોત્તમ વાળંદની બાળકવિતા ‘હું ખાખી બાવો’ અને અનિતા તન્નાએ ‘ભોળી રે ભરવાડણ..’ કવિતા સાભિનય રજૂ કરી હતી. આ યુગલે દીપજ્યોત દર્શાવી સભાનો આરંભ કરાવ્યો હતો.

આ ઓનલાઇન સભામાં દિલ્હીના અગ્રણી ગુજરાતી મહાનુભાવો રમેશ મહેતા, વિરાટ શાહ, નિતીન  આચાર્ય, સાધના બકુલ વ્યાસ, પ્રશાંત દોશી વગેરેએ હાજરી આપી પોતાના ઉદગાર વ્યક્ત કર્યા હતા.

આ કાર્યક્રમની પરિકલ્પના, આયોજન, સંયોજન અને સંચાલન ભાગ્યેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. દિલ્હીના ગુજરાતીઓમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દિશામાં નવી રીતે કેડી કંડારતી આ શ્રેણીનો પહેલો કાર્યક્રમ ૧૪મી જૂને યોજાયો હતો અને રાજધાનીના ગુજરાતીઓનો તેને ભારે આવકાર મળ્યો હતો. આ કાર્યક્રમ-શ્રેણીને નિયમિત રાખવાની  લોકચાહના સાંપડી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]