ભરતસિંહ સોલંકીને કોરોના થયો; એમની સંપર્કમાં આવેલા નેતાઓ ચિંતામાં

અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એમને સારવાર માટે વડોદરાની બેન્કર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર ગુજરાત કોંગ્રેસમાં ચિંતા વ્યાપી ગઈ છે. કારણ કે બે દિવસ અગાઉ જ રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સહિત ઘણા લોકો તેમની સાથે સતત સંપર્કમાં રહ્યાં હતાં.

મહત્વનું છે કે, તાજેતરમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના બીજા ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં જેમાં તેમની હાર થઈ હતી. આવામાં મતદાન સમયે તેમ જ તેના પહેલાં રિસોર્ટમાં પણ ધારાસભ્યો સાથે ભરતસિંહ સંપર્કમાં હતાં જેને લઈને પક્ષમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ ડોક્ટર્સની સલાહ પ્રમાણે અન્ય નેતાઓને પણ આઈસોલેટ તેમ જ ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે. મહત્વનું છે કે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નજીકથી તેમની સાથે સતત સંપર્કમાં હતાં. એટલું જ નહીં રાજ્યસભાની ચૂંટણી સમયે ભરતસિંહ કોંગ્રેસ સહિત અન્ય બીજા નેતાઓના સંપર્કમાં પણ આવ્યાં હોવાનું સામે આવ્યું છે. જેમાં ચૂંટણી પંચના અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના ગૃહમંત્રી પણ હાજર હતાં.