અમરનાથ-યાત્રાના રૂટ નજીક એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર

શ્રીનગરઃ સુરક્ષા દળોએ જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના અનંતનાગ જિલ્લામાં વાર્ષિક અમરનાથ યાત્રાના રૂટ નજીક કરેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સંગઠનના હતા. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે અનંતનાગ જિલ્લાના કોકેરનાગ વિસ્તારમાં કરવામાં આવેલી નાકાબંધી અને આતંકવાદીઓને શોધવાની કામગીરી દરમિયાન એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. એનું નામ મોહમ્મદ ઈશ્ફાક શેરગોજરી છે. એ નૌગામ વેરીનાગ ગામનો રહેવાસી છે. એની ધરપકડને પગલે અનંતનાગના બીજા અનેક વિસ્તારોમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી અને સુરક્ષા જવાનોએ અનેક સર્ચ ઓપરેશન્સ હાથ ધર્યા હતા.

એવું એક સર્ચ ઓપરેશન અનંતનાગના બાટકોટ પહલગામના પૂર્વ ભાગમાં આવેલા સિરચાન પહાડ પરના જંગલ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. ત્યાં છૂપાયેલા ત્રાસવાદીઓએ સુરક્ષા જવાનો પર ગોળીબાર કર્યો હતો. એને પગલે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળોએ કરેલા વળતા ગોળીબારમાં ત્રણ ત્રાસવાદી માર્યા ગયા હતા. એ ત્રણેય હિઝબુલ મુજાહિદ્દીનના હોવાનું માલુમ પડ્યું હતું.

એમના નામ છેઃ મોહમ્મદ અશરફ ખાન ઉર્ફે અશરફ મોલવી ઉર્ફે મન્સૂર-ઉલ-હક, મોહમ્મદ રફીક દરાંગે અને રોશન ઝમીર તાંત્રે ઉર્ફે આકીબ. આ ત્રણેય જણ ભૂતકાળમાં પોલીસ અને સુરક્ષા દળો પર હુમલા કરવા, નાગરિકો પર અત્યાચાર કરવા જેવા અનેક પ્રકારના આતંકવાદી ગુનાઓમાં સંડોવાયેલા આતંકવાદી જૂથોના સભ્યો હતા. જમ્મુ-કશ્મીરના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વિજયકુમારે કહ્યું કે આ ત્રણ ત્રાસવાદીનો ખાત્મો મોટી સફળતા છે, કારણ કે આ એન્કાઉન્ટર એ સ્થળે થયું છે જે આ વર્ષની અમરનાથ યાત્રાના રૂટની નજીક છે. આમ, અમરનાથ યાત્રીઓ પર એક મોટા હુમલાને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે.