‘પૈસા અને ગિફ્ટ’ આક્ષેપોઃ દુબેને મહુઆ મૌઈત્રાની લીગલ નોટિસ

નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રા પૈસા લઈને સંસદમાં સવાલ પૂછે છે એવા (કેશ ફોર ક્વેરી) આક્ષેપો કરનાર ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય નિશિકાંત દુબેને કાનૂની નોટિસ મોકલી છે અને તેમણે કરેલા આક્ષેપો બદલ 24 કલાકમાં માફી માગવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઝારખંડના ગોડ્ડા સંસદીય મતવિસ્તારમાં 2009, 2014 અને 2019માં લોકસભા ચૂંટણી જીતનાર દુબેએ ગઈ કાલે એવો આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ક્રિષ્નાનગર મતવિસ્તારનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રાએ સંસદમાં સવાલો પૂછવા માટે મુંબઈના ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી ‘રોકડ અને ગિફ્ટ’ લીધી હતી. દુબેએ લોકસભા સ્પીકર, ઈન્ફોર્મેશન-ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને નાયબ આઈટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરને વિનંતી કરી છે કે એમના આક્ષેપોને પગલે મહુઆ મોઈત્રા સામે તપાસ કરવામાં આવે.

મોઈત્રાએ તેમની સામેના આક્ષેપોને નકારી કાઢ્યા છે. એમણે દુબે ઉપરાંત દુબેના આક્ષેપોને દર્શાવવા બદલ યૂટ્યૂબ, X (ભૂતપૂર્વ ટ્વિટર), ગૂગલ તથા બીજા અનેક પ્રકાશનગૃહોને પણ કાનૂની નોટિસ મોકલી છે અને માફી માગવા કહ્યું છે.