મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યનાં લોકોને મોઢા પર માસ્ક પહેરવામાંથી વહેલી તકે મુક્તિ આપવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે એવા એક અહેવાલને રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ રદિયો આપ્યો છે. અગાઉ એવો અહેવાલ હતો કે આ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાતો પાસેથી માહિતી મગાવી છે કે ધારો કે રાજ્યને માસ્ક-મુક્ત કરવું હોય તો કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ?
ઉલ્લેખનીય છે કે, બ્રિટન સહિત અનેક દેશોએ એમનાં નાગરિકોને માસ્ક-મુક્ત કરી દીધાં છે. મહારાષ્ટ્ર સરકારે પણ કેન્દ્ર સરકાર તથા રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સને આ માટે વિનંતી કરી છે અને તે માટેના પગલાં સૂચવવા કહ્યું છે. હાલને તબક્કે રાજ્ય સરકાર કોરોના નિયંત્રણોને હળવા બનાવી રહ્યા છીએ, પરંતુ માસ્ક પહેરવાનો નિયમ થોડોક સમય સુધી ચાલુ રહેશે. ઘણી ખાનગી હોસ્પિટલોમાં કોરોના-વિરોધી રસીના અસંખ્ય ડોઝ વપરાયા વગરનાં પડ્યા છે. આ ડોઝ પાછા લઈ લેવા માટે કોઈક નીતિ ઘડવાની પણ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને વિનંતી કરવાની છે, એમ અગાઉના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.