હું હિજાબ-બુરખાની તરફેણ કરતો નથીઃ જાવેદ અખ્તર

મુંબઈઃ જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે કર્ણાટકમાં શાળાઓમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરે એ મુદ્દે ઊભા થયેલા વિવાદ અંગે નારાજગી વ્યક્ત કરી છે. એમણે એક ટ્વીટમાં લખ્યું છે કે, મેં હિજાબ કે બુરખાની ક્યારેય તરફેણ કરી નથી. હું આજે પણ મારા વલણને વળગી રહું છું, પણ સાથોસાથ, ગૂંડાઓના ટોળા છોકરીઓને ડરાવે, ધમકાવે એ વિશે પણ મને સખત નફરત છે. કમલ હાસન, રિચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર, ઓનિર જેવી અનેક ફિલ્મી હસ્તીઓએ પણ કર્ણાટકમાં હાલ ચાલી રહેલા વિરોધ-આંદોલન વિરુદ્ધ મંતવ્યો દર્શાવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં રાજ્ય સરકારે શાળા-કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતો આદેશ બહાર પાડવાને પગલે વ્યાપક વિરોધ અને દેખાવો થયા છે. કર્ણાટક સરકારે કહ્યું છે કે વિદ્યાર્થીઓએ શાળા-કોલેજોમાં હંમેશાં નિશ્ચિત કરાયેલો યુનિફોર્મ જ પહેરવો પડશે. આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં ગયો હતો. કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે આખરી ચુકાદો ન આવે ત્યાં સુધી શાળા-કોલેજોમાં કોઈ પ્રકારના ધાર્મિક પ્રતીક કે પહેરવેશ ધારણ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે. વિદ્યાર્થીઓએ શાળા-કોલેજમાં એમની ધાર્મિક ચીજો પહેરવાનો આગ્રહ રાખવો નહીં. કોર્ટે કર્ણાટક સરકારને પણ આદેશ આપ્યો છે કે તે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના રાજ્યમાં શાળા-કોલેજોને ફરી શરૂ કરે, જે સરકારે વિવાદ અને કોર્ટના નિર્ણયની રાહ જોવા માટે ત્રણ દિવસ માટે બંધ રખાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]