ટાટાની આવી રહી છે ઈલેક્ટ્રિક નેનો

મુંબઈઃ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદારોમાં ઘણા લોકપ્રિય બની રહ્યાં છે. ઈલેક્ટ્રિક વાહનોના સેગ્મેન્ટમાં ઈલેક્ટ્રિક કાર બનાવનાર ટાટા મોટર્સ પણ એક અગ્રગણ્ય કંપની છે. સૌથી નાના કદની અને સસ્તી કિંમતવાળી કાર ભારતમાં લોન્ચ કરવાનું રતન ટાટાનું સપનું હતું. ટાટા મોટર્સે નેનો કાર બનાવીને તેમનું એ સપનું સાકાર કર્યું હતું. જોકે એ કારને ભારતનાં લોકોને ખાસ ગમી નહોતી. એનું વેચાણ ઘટી ગયું હતું. કેટલાક વર્ષોથી એનું ઉત્પાદન બંધ થઈ ગયું છે. તે છતાં રતન ટાટા નિરાશ થયા નહીં અને નેનોની ઈલેક્ટ્રિક આવૃત્તિ બનાવી છે. કંપનીએ ડ્રીમ કાર નેનોને હવે ઈલેક્ટ્રિક ક્લેવર આપ્યો છે.

ઈલેક્ટ્રિક આવૃત્તિની પહેલી કાર,કસ્ટમ-બિલ્ટ – 72V Nano EV રતન ટાટાને જ ડિલીવર કરવામાં આવી છે. ટાટાને એ કાર એટલી બધી ગમી ગઈ કે તેઓ એમાં બેસીને ફરવા નીકળી પડ્યા હતા. એમની સાથે એમનો 28 વર્ષીય યુવાન સહાયક શાંતનૂ નાયડુ પણ હતો. ઈલેક્ટ્રિક નેનોને પાવર પૂરો પાડનાર કંપની Electra EVએ લિન્ક્ડ ઈન પર આ સમાચાર મૂક્યા છે અને સાથે નવી કાર સાથે રતન ટાટાની તસવીર પણ શેર કરી છે. ઈલેક્ટ્રિક નેનો ચાર સીટવાળી છે. આ કાર દસ સેકંડમાં જ ઝીરોથી 60 કિ.મી. પ્રતિ કલાકની ગતિ પકડે છે. આમાં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કસ્ટમ બિલ્ડ નેનો ઈવી કારમાં 72-વી આર્કિટેક્ચર વાપરવામાં આવ્યું છે. કારની ડિઝાઈનમાં અમુક ફેરફારો કરાયા છે અને તેની ARAI રેન્ચ 213 કિ.મી. છે.

(તસવીર સૌજન્યઃ ElectraEV LinkedIn)