મુંબઈઃ ગુજરાત સાથે સરહદ બનાવતા મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સુરગાણા તાલુકાના કેટલાક ગામોનાં આગેવાનોએ મહારાષ્ટ્ર સરકારને ધમકી આપી છે કે જો એમના વિસ્તારનો વિકાસ કરવામાં નહીં આવે તો તેઓ ગુજરાત રાજ્યમાં ભળી જશે. આને પગલે મહારાષ્ટ્રના પ્રધાન દાદા ભુસેએ આંદોલનકારી ગામવાસીઓને ખાતરી આપી છે કે સરહદીય ગામોનો સર્વગ્રાહી વિકાસ કરવામાં આવશે.
સુરગાણા તાલુકામાં ગુજરાત સાથે સરહદ બનાવતા ઓછામાં ઓછા 55 ગામોના લોકોએ માગણી કરી છે કે એમને ઘણી સુવિધાઓનો અભાવ નડે છે. જો એમના વિસ્તારનો વિકાસ કરવામાં નહીં આવે તો તેઓ પડોશના ગુજરાતમાં ભળી જશે. દાદા ભુસે નાશિક જિલ્લાના પાલક પ્રધાન છે. એમણે આંદોલનકારી સાથે ગઈ કાલે બેઠક કરી હતી અને એમને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર એક સમયબદ્ધ વિકાસ યોજના ઘડશે જેમાં સુરગાણા તાલુકામાં ગુજરાત સાથેની સરહદ પરના આદિવાસી ગામો તથા અન્ય નાના ગામોના સંપૂર્ણવિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સંપૂર્ણપણે વિકાસ હાથ ધરવાની યોજના ઘડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યો વચ્ચે પણ સીમાવિવાદ ચાલી રહ્યો છે. બેલગાવી જિલ્લા તથા મરાઠીભાષી અન્ય 80 ગામોના દરજ્જા અંગેનો આ વિવાદ છે. આ જિલ્લો અને ગામો હાલ કર્ણાટકના તાબામાં છે. આ વિવાદ અંગે હાલ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. એવી જ રીતે, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અક્કલકોટ તાલુકાના 11 ગામનાં લોકો પણ વિકાસના અભાવને કારણે મહારાષ્ટ્ર સરકારથી નારાજ છે. એમણે ધમકી આપી છે કે જો એમના વિસ્તારનો વિકાસ કરવામાં નહીં આવે તો તેઓ પડોશના કર્ણાટક રાજ્યમાં જોડાઈ જશે.