દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન-ચૂંટણીમાં AAPની બહુમતી સાથે જીત

નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ મોટો સપાટો બોલાવ્યો છે. તેણે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં આજે હાથ ધરાયેલી મતગણતરીમાં બહુમતી સાથે જીત હાંસલ કરી છે. એણે દિલ્હી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 15 વર્ષના શાસનનો અંત લાવી દીધો છે. આ સાથે, આમ આદમી પાર્ટીએ દિલ્હી શહેરની વિધાનસભા ઉપરાંત હવે મહાનગરપાલિકા ઉપર પણ કબજો પ્રાપ્ત કરી લીધો છે.

250-બેઠકોવાળી એમસીડીમાં સત્તા મેળવવા માટે 126 સીટ જીતવી પડે. આમ આદમી પાર્ટીએ 134 બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે. ભાજપને 104 બેઠક મળી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 9 તથા અન્યોને 3 બેઠક મળી છે. આ વખતની ચૂંટણીમાં માત્ર 50.48 ટકા મતદાન જ થયું હતું. કુલ 1.45 કરોડ મતદારોમાંથી માત્ર 73 લાખ લોકોએ જ મતદાન કર્યું હતું.