રોહિત શર્માને ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ

ઢાકાઃ અહીંના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં હાલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. ગૃહ ટીમના કેપ્ટન લિટન દાસે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. મેચની બીજી ઓવરમાં ભારતને ફટકો પડ્યો હતો. કેપ્ટન રોહિત શર્માને એક અઘરો કેચ પકડવાના પ્રયાસમાં ડાબા હાથના અંગૂઠામાં બોલ વાગ્યો હતો. હાથની આંગળીઓમાંથી લોહી નીકળવા માંડ્યું હતું અને એને મેદાન છોડીને જવું પડ્યું હતું.

તે ઓવર મોહમ્મદ સિરાજે ફેંકી હતી. બીજા બોલમાં ઓપનર અનામૂલ હકે રમવાનો પ્રયાસ કર્યો હતો, પણ બેટની ધારને લાગીને બોલ સ્લિપમાં ગયો હતો, જ્યાં ફિલ્ડિંગ કરતા શર્માએ એને પકડવાનો પ્રયાસ કર્યો હતો. કેચ ઘણો નીચો હતો. એણે બોલને પકડવા માટે હાથ નીચો કર્યો હતો, બોલ એના ડાબા હાથના અંગૂઠા પર વાગ્યો હતો. આમ, તે કેચ પણ પકડી શક્યો નહોતો અને હાથમાં ગંભીર ઈજા થઈ. લોહી નીંગળતા હાથ સાથે એ તરત જ મેદાનમાંથી ચાલ્યો ગયો હતો. એની જગ્યાએ રજત પાટીદાર ફિલ્ડિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. રોહિતને એક્સ-રે માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

રોહિતની ગેરહાજરીમાં વિકેટકીપર કે.એલ. રાહુલે સુકાનીપદ સંભાળ્યું છે. રોહિતની ઈજા જો ગંભીર પ્રકારની હશે તો ભારતને મોટો ફટકો પડશે, કારણ કે એણે આ મેચમાં બેટિંગ કરવાની બાકી છે અને ત્રણ-મેચની શ્રેણીમાં ભારત પહેલી મેચ હારીને 0-1થી પાછળ છે.