‘ખુલ્લા મેનહોલ્સને લીધે અનુચિત-ઘટના માટે મહાપાલિકા જવાબદાર’

મુંબઈઃ હાઈકોર્ટે આજે જણાવ્યું છે કે શહેરમાં ઠેકઠેકાણે રસ્તાઓ અને ફૂટપાથો પર ખુલ્લા રહેતા મેનહોલ્સને ઢાંકવા માટે શહેર મહાનગરપાલિકા તંત્ર જે કામગીરી બજાવી રહ્યું છે એની તે પ્રશંસા કરે છે, પરંતુ આ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી જો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ બનશે તો એને માટે મહાપાલિકા જ જવાબદાર ગણાશે.

ચીફ જસ્ટિસ દીપંકર દત્તા અને ન્યાયમૂર્તિ અભય આહુજાની વિભાગીય બેન્ચે જણાવ્યું છે કે શહેરમાં ઠેકઠેકાણે ખુલ્લા મેનહોલ્સના મામલે કોર્ટ ચિંતીત છે. આ વિશે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) કોઈક કાયમી ઉકેલ લાવે એવી ન્યાયાધીશોએ માગણી કરી હતી. આ કેસની સુનાવણી મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ઠેરઠેર ખુલ્લા મેનહોલ્સની વધી રહેલી સંખ્યા અંગે ચિંતા દર્શાવતી અનેક પીટિશનો પર કરવામાં આવી રહી છે. બીએમસીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મહાપાલિકા તંત્ર ખુલ્લા મેનહોલ્સની સમસ્યા દૂર કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. એવા તમામ ખુલ્લા મેનહોલ્સ બંધ કરી દેવાશે.

એ સાંભળીને ચીફ જસ્ટિસ દત્તાએ કહ્યું હતું કે, તમે એ માટે કામ કરી રહ્યા છો એ સારી વાત છે, પરંતુ જો કોઈને પણ હાનિ પહોંચશે તો એ માટે અમે તમને જવાબદાર ગણાવીશું. અમે બીએમસીની પ્રશંસા કરીએ છીએ, પરંતુ જો કોઈ મેનહોલ ખુલ્લું રહી જાય અને કોઈક એમાં પડી જાય તો શું થશે? એવી પરિસ્થિતિમાં અમે કાંઈ ફરિયાદી વ્યક્તિને એમ નહીં કહીએ કે વળતર માટે દાવો માંડો… અમે તો એમ જ કહીશું કે તમારા અધિકારીઓ જવાબદાર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]