હિન્દીમાં MBBSનું શિક્ષણ આપનાર મધ્ય પ્રદેશ પહેલું રાજ્ય

ભોપાલઃ મધ્ય પ્રદેશ સરકારે એલાન કર્યું હતું કે MBBSનું શિક્ષણ હવે હિન્દી ભાષામાં પણ લઈ શકાશે. હિન્દીમાં MBBS અભ્યાસક્રમના પાઇલટ પ્રોજેક્ટનો પ્રારંભ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલની ગાંધી મેડિકલ કોલેજ (GMC)થી થશે. આરોગ્ય શિક્ષણપ્રધાન વિશ્વાસ સારંગે ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યમાં હવે બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી (MBBS) દેશની માતૃભાષા એટલે કે હિન્દી ભાષામાં પણ આપી શકાશે. તેમણે કહ્યું હતું કે ભોપાલની ગાંધી મેડિકલ કોલેજ આ વર્ષના એપ્રિલથી હિન્દી ભાષામાં MBBSનો અભ્યાસક્રમ શરૂ કરશે.

તેમણે કહ્યું હતું કે MBBSનું શિક્ષણ અમે હવે હિન્દીમાં પણ લઈ શકાય એની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. આ ઘોષણા અમે હિન્દી દિવસે કરી હતી અને એને લઈને અમે સંપૂર્ણ યોજના બનાવી છે. જેનું કામ શરૂ થયું છે. હિન્દીમાં MBBSનું શિક્ષણ એપ્રિલથી શરૂ થશે. ભોપાલમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે MBBSને હિન્દી માધ્યમ ભણાવવામાં આવશે. ભોપાલની ગાંધી મેડિકલ કોલેજ એપ્રિલથી હિન્દીમાં MBBS અભ્યાસક્રમની રજૂઆત કરશે.

વડા પ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની ઇચ્છા અનુરૂપ કાર્ય-યોજના બનાવીને વિધિવત્ રૂપે કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. હિન્દીમાં શિક્ષણનો અર્થ સમાનાંતર રૂપથી હિન્દી માધ્યમથી ભણતા વિદાર્થીઓને મદદ કરવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અંગ્રેજીની સાથે-સાથે હિન્દીનાં પુસ્તકો પણ ઉપલબ્ધ કરાવવાની તૈયારી છે. સારંગે જણાવ્યું હતું કે હિન્દી સેલનું વિધિવત્ રચના કરીને અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. એમાં અલગ-અલગ ક્ષેત્રના નિષ્ણાતો સામેલ છે.