મુંબઈઃ ભારતમાં રોજ લાખો લોકો ટ્રેનોમાં મુસાફરી કરતા હોય છે. ધાંધલ-ધમાલ કે ઉતાવળ દરમિયાન એમાંના ઘણાં લોકો એમનો નાનો-મોટો સામાન ટ્રેનમાં જ ભૂલી જતા હોય છે અને તે પછી એ સામાન પાછો મળવો એ નસીબની વાત બની જતી હોય છે. પરંતુ હવે એવું નહીં રહે. પશ્ચિમ રેલવે વહીવટીતંત્ર આવ્યું છે પ્રવાસીઓની વહારે. તેણે એક નવી સેવા શરૂ કરી છે – ‘મિશન અમાનત’. આ યોજના પ્રવાસીઓને એમનો ગુમાયેલો સામાન પાછો મેળવી આપવામાં મદદરૂપ થાય છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) પ્રવાસીનો ગુમાયેલો સામાન શોધશે અને તેની તસવીર તથા વર્ણન વેબસાઈટ પર અપલોડ કરશે. એને કારણે પ્રવાસીઓને તેમનો સંબંધિત લગેજ શોધવામાં મદદરૂપ થશે.
આ છે તે સેવા મેળવવાના મુદ્દાઃ
- પોતાનો ગુમાયેલો સામાન પાછો મેળવવા માગનાર રેલવે પ્રવાસીઓએ પશ્ચિમ રેલવેની વેબસાઈટ પર જવું.
- ત્યારબાદ ‘મિશન અમાનત – RPF’ ટેબ પર ક્લિક કરવું
- તરત જ આરપીએફ ગુમાયેલી ચીજવસ્તુઓની વિગતો અને તસવીરો શેર કરશે
- જો પ્રવાસીઓને વેબસાઈટ પર એમનો ગુમાયેલો સામાન મળી આવે તો તેઓ માલિકીનો હક પૂરો પાડતો દાવો નોંધાવી શકશે