નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં શિવસેનાના 16 વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે કરાયેલી અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટ નિર્ણય જાહેર કરવાની છે ત્યારે બીજી બાજુ, લોકસભા ગૃહના અધ્યક્ષ ઓમ બિરલાએ શિવસેનામાંથી બળવો કરીને બહાર પડેલા એકનાથ શિંદેના જૂથની માગણીનો સ્વીકાર કર્યો છે. ઉધ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટી છોડનાર એકનાથ શિંદે ગઈ કાલે એમના જૂથમાં સામેલ થયેલા પક્ષના 12 સંસદસભ્યો સાથે અહીં ઓમ બિરલાને મળ્યા હતા અને ગૃહમાં પક્ષના નેતાની વરણીમાં બદલી કરવાની માગણી કરી હતી. હવે શિંદે જૂથના રાહુલ શેવાળે લોકસભામાં શિવસેનાના નેતા બન્યા છે જ્યારે ભાવના ગવળી ચીફ વ્હીપ તરીકે ચાલુ રહ્યાં છે. હાલ લોકસભામાં શિવસેના પક્ષના નેતા તરીકે વિનાયક રાઉત છે. આ નિયુક્તિમાં ફેરફાર ન કરવાની રાઉતે ઓમ બિરલાને લેખિતમાં વિનંતી કરી હતી, પરંતુ બિરલાએ શિંદે જૂથની માગણી સ્વીકારી લીધી છે.
શિંદે જૂથમાં જોડાઈ ગયેલાં 12 સંસદસભ્યો છેઃ રાહુલ શેવાળે, શ્રીકાંત એકનાથ શિંદે, ધૈર્યશીલ માને, સદાશિવ લોખંડે, હેમંત ગોડસે, હેમંત પાટીલ, રાજેન્દ્ર ગાવિત, સંજય માંડલિક, શ્રીરંગ બરને, પ્રતાપરાવ જાધવ, કૃપાલ તુમાને અને ભાવના ગવળી.
શિંદેએ ગયા મહિને શિવસેનામાં બળવો પોકાર્યો હતો. એમને 40 વિધાનસભ્યોનો ટેકો મળ્યો છે. તેઓ ભાજપના સાથ વડે મહારાષ્ટ્રમાં સત્તા હાંસલ કરી શક્યા છે. તેઓ મુખ્ય પ્રધાન બન્યા છે અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન.