લોકસભા ચૂંટણીઃ પહેલા તબક્કામાં 41 ટકા ઉમેદવારો પર ગુનાઇત કેસો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાન આવતી કાલે થવાનું છે. ઉમેદવારોનાં ફોર્મ ભરાઈ ચૂક્યાં છે. પહેલા તબક્કામાં કુલ 102 સીટો પર મતદાન થવાનું છે. પહેલા તબક્કામાં કુલ 1625 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. એમાં આઠ ટકા મહિલા ઉમેદવાર છે અને 28 ટકા ઉમેદવારો કરોડપતિ છે.

પહેલા તબક્કામાં 102 સીટોમાંથી 42 સીટો (41 ટકા) પર ત્રણ અથવા એનાથી વધુ ઉમેદવારો પર ગુનાઇત કેસો નોંધાયેલા છે. કુલ 1618 ઉમેદવારોમાંથી 252 ઉમેદવારો પર ગુનાઇત કેસ નોંધાયેલા છે, એમાંથી 161 ઉમેદવારો પર ગંભીર ગુનાના કેસ છે. 18 ઉમેદવારો પર મહિલાઓની વિરુદ્ધ અત્યાચારના  કેસ ચાલી રહ્યા છે, એમાંથી એક ઉમેદવાર પર બળાત્કારનો આરોપ છે.

તામિલનાડુની તિરુનેલવેલી સીટ પર સૌથી વધુ ગુનાઇત ઉમેદવારો ચૂંટણીમાં ઊતર્યા છે. આ ઉપરાંત હત્યાના મામલાવાળા સાત ઉમેદવાર છે. ભડકાઉ ભાષણને મામલા 35 ઉમેદવારો સામે છે.

કેટલી સંપત્તિ?

પહેલા તબક્કામાં ભાજપના 77માંથી 69 ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના 56માંથી 49 ઉમેદવારો કરોડપતિ છે. AIDMKના 36માંથી 35 ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે RJDના ચારેચાર ઉમેદવારો કરોડપતિ છે.

ભાજપના 77 ઉમેદવારોમાંથી 28, કોંગ્રેસના 56માંથી 19, BSPના 86માંથી 11, TMCના 86માંથી 11, RJDના ચારમાંથી ચાર, AIDMKના 36માંથી 13, DMKના 22માંથી 13, SPના સાતમાંથી ત્રણ ઉમેદવારો સામે કોઈને કોઈ કેસ નોંધાયેલા છે.

આ 1618 ઉમેદવારોમાંથી 26 ઉમેદવારો અભણ છે. પાંચમું પાસ- 95, આઠમું પાસ-133, 10મું પાસ-221, 12મું પાસ-190, ગેજ્યુએટ-225, ગ્રેજ્યુએટ પ્રોફેશનલ-255, પોસ્ટ ગ્રેજ્યુએટ 309, ડોક્ટરેટ-47, ડિપ્લોમા-77 ઉમેદવારો છે. ચૂંટણીના પહેલા તબક્કામાં 41થી 50 વર્ષના સૌથી વધુ ઉમેદવારો છે, જ્યારે 25-30 વર્ષના 117 ઉમેદવારો છે, જ્યારે વરિષ્ઠ 81-90 વર્ષના ચાર ઉમેદવારો છે, એમ ADRનો અહેવાલ કહે છે.