કેન્દ્ર-મમતા વચ્ચે પત્રયુદ્ધઃ રેપ કેસમાં ફાંસીની જોગાવાઈ છે જ

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે બંગાળનાં CM મમતા બેનરજીએ PM મોદીને લખેલા બીજા પત્રનો જવાબ આપ્યો છે. આ વખતે પણ મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણ દેવી તરફથી જવાબ આપવામાં આવ્યો છે. બળાત્કાર જેવા કેસોમાં દોષીને ફાંસીની સજાની જોગવાઈ પહેલાંથી જ છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)માં રેપ માટે કમસે કમ 10 વર્ષની જેલની જોગવાઈ છે, જેને ઉંમરકેદ કે મોતની સજા સુધી વધારી શકાય છે.  

પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બે પત્રો લખી ચૂક્યાં છે. શુક્રવારે લખેલા પત્રમાં તેમણે બળાત્કાર અને હત્યા જેવા જઘન્ય અપરાધો પર કડક કેન્દ્રીય કાયદો અને સજા માંગ કરી હતી. જેના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે હાલના કાયદાઓ હિંસા અને મહિલાઓ સામેના ગુનાઓનો સામનો કરવા માટે પૂરતા કડક છે.

મમતા બેનર્જીએ પત્રમાં લખ્યું કે તેઓ વિધાનસભામાં એવો કાયદો લાવશે કે રેપ કેસમાં પીડિતને 10 દિવસમાં ન્યાય મળે અને જો રાજભવનમાંથી બિલ પસાર નહીં થાય તો પ્રદર્શન કરવામાં આવશે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન અન્નપૂર્ણા દેવીએ મમતા બેનર્જીને જવાબ આપતાં લખ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ્સ (FTSC) અને સ્પેશિયલ પોક્સો કોર્ટની સ્થિતિ અંગે તમારા પત્રમાં આપવામાં આવેલી માહિતીના સંદર્ભમાં, હું ઉલ્લેખ કરવા માંગુ છું કે કલકત્તા હાઈ કોર્ટથી પ્રાપ્ત માહિતી મુજબ, પશ્ચિમ બંગાળે 88 ફાસ્ટ ટ્રેક કોર્ટ (FTC) ની સ્થાપના કરી છે, જે કેન્દ્ર સરકારની યોજના હેઠળ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ જેવી નથી.અન્નપૂર્ણા દેવીએ જવાબ આપતા લખ્યું કે પશ્ચિમ બંગાળમાં 48,600 બળાત્કાર અને POCSO કેસ પેન્ડિંગ હોવા છતાં રાજ્યએ વધારાના 11 FTSCs કાર્યરત કરી નથી. જેમ જોઈ શકાય છે, આ સંબંધમાં તમારા પત્રમાં આપવામાં આવેલી માહિતી હકીકતમાં ખોટી છે અને રાજ્ય દ્વારા FTSC ને કાર્યરત કરવામાં વિલંબને છુપાવવાનો પ્રયાસ કરતો હોવાનું જણાય છે.