રાયગડઃ મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના ખાલાપુર તાલુકાના ઈરશાલવાડી ગામમાં ભારે વરસાદને કારણે પહાડ પરથી ભેખડો ધસી પડવાની દુર્ઘટના થઈ છે. એને કારણે ઓછામાં ઓછા ચાર જણના મરણનો અહેવાલ છે. 22 જણને બચાવી લેવામાં આવ્યા છે, પણ કાટમાળ હેઠળ હજી બીજા ઘણા લોકો ફસાયાં હોવાનું મનાય છે. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા અન્ય પ્રધાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કામગીરીમાં અગ્નિશામક દળ, પોલીસો અને નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ચાર ટૂકડીના જવાનો જોડાયા છે. એનડીઆરએફના વધુ જવાનોને મુંબઈથી બોલાવવામાં આવ્યા છે.
ગઈ કાલે રાતે લગભગ 11-12 વાગ્યાના સુમારે મોટી ભેખડો ગામના 40-50 ઘરો પર પડી હતી. ગામમાં રહેવાસીઓની સંખ્યા 200 જેટલી છે. પરિણામે મરણાંક વધવાની દહેશત છે.