અમદાવાદમાં ઈસ્કોન ફ્લાઈઓવર પર કારે 9 જણને કચડી નાખ્યા

અમદાવાદઃ ગઈ કાલે મધરાત બાદ લગભગ એક વાગ્યાના સુમારે અહીં સરખેજ-ગાંધીનગર (એસ.જી.) હાઈવે પર ઈસ્કોન મંદિર નજીક આવેલા ઈસ્કોન ફ્લાઈઓવર પર બનેલા એક ભયાનક અકસ્માતમાં 9 જણે જાન ગુમાવ્યા છે. ધસમસતી આવેલી એક જગુઆર કારે અનેક લોકોને હડફેટે લીધા હતા. એમાંના 9 જણના મરણ નિપજ્યા છે અને બીજા 10-11 જણ ઘાયલ થયા છે.

કાર ડ્રાઈવર કોઈ શ્રીમંત પરિવારનો નબીરો હોવાનું કહેવાય છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરોની સલાહ મુજબ એની ધરપકડ કરવામાં આવશે, એમ ડીસીપી (ટ્રાફિક વેસ્ટ) નીતા દેસાઈએ કહ્યું છે.

સોલા સિવિલ હોસ્પિટલનાં મેડિકલ ઓફિસર ડો. કૃપા પટેલના જણાવ્યા મુજબ, 9 મૃતકોમાં બે પોલીસ જવાનનો પણ સમાવેશ થાય છે.

કહેવાય છે કે, ઈસ્કોન બ્રિજ પર કોઈક અકસ્માત થયો હતો અને તે જોવા માટે લોકો ટોળે વળ્યા હતા. એ જ વખતે ઘસમસતી જગુઆર કાર એમની પર ફરી વળી હતી. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના રહેવાસી યુવકોનો પણ સમાવેશ થાય છે.