તિરુવનંતપુરમઃ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ)ની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) દ્વારા કેરળ રાજ્યમાં ઈતિહાસ સર્જવામાં આવ્યો છે. 140 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાાન પી. વિજયનની આગેવાની હેઠળનો એલડીએફ મોરચો 99 બેઠકો જીતીને સત્તા ટકાવી રાખવામાં સફળ થયો છે. આ 99 સીટમાં સીપીઆઈ-એમના ઉમેદવારોએ 62, સીપીઆઈ પાર્ટીએ 17, તથા અન્ય 10 સાથી પક્ષોએ બીજી 20 બેઠકો જીતી છે. પોતાની સત્તા જાળવી રાખીને એલડીએફ જૂથે રાજ્યની 40-વર્ષ જૂની પરંપરાને તોડી છે. કારણ કે છેલ્લા 40 વર્ષોથી રાજ્યની જનતા દર પાંચ વર્ષે વૈકલ્પિક પાર્ટીને સત્તા સોંપતી રહી હતી. પરંતુ આ વખતની ચૂંટણીમાં એલડીએફની પુનઃ જીત નિશ્ચિત છે. એલડીએફે 2016ની ચૂંટણીમાં 91 સીટ જીતી હતી. અનેક એક્ઝિટ પોલ્સે પણ આગાહી કરી હતી કે આ વખતે એલડીએફ જીતશે અને ઈતિહાસ સર્જશે.
એલડીએફના હરીફ યૂડીએફ મોરચાએ 41 બેઠક જીતી છે. યૂડીએફ મોરચામાં કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે 21 સીટ જીતી છે. જ્યારે એને ટેકો આપનાર અન્ય પક્ષોએ 20 સીટ જીતી છે. ભાજપનો એકેય ઉમેદવાર જીતી શક્યો નથી. તે ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોમાંથી પણ કોઈ જીત્યું નથી. મુખ્ય પ્રધાન અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પિનરાઈ વિજયન ધર્માદમ મતવિસ્તારમાં વિજયી થયા હતા. ભાજપના 88 વર્ષીય ઉમેદવાર અને ‘મેટ્રો મેન’ તરીકે જાણીતા ઈ. શ્રીધરન પલક્કડમાં ગત બે મુદતથી જીતતા શફી પરામબિલ સામે ચૂંટણી હારી ગયા છે. શરૂઆતના ટ્રેન્ડમાં તેઓ સરસાઈમાં હતા, પરંતુ બાદમાં એમના હરીફ આગળ નીકળી ગયા અને જીતી ગયા.
