બંગાળમાં મોટી ઉલટપુલટઃ અધિકારીએ મમતાને હરાવ્યા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આજે મતગણતરી દરમિયાન ટ્રેન્ડ અનુસાર શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)ને બહુમતી મળી ચૂકી છે. પરંતુ નંદીગ્રામ બેઠકના પરિણામે મોટો વિવાદ સર્જ્યો છે. ત્યાં બપોરે મુખ્ય પ્રધાન અને ટીએમસી નેતા મમતા બેનરજીને વિજયી જાહેર કરવામાં આવ્યાં હતાં. પરંતુ, સાંજે તે સમાચારમાં મોટો વળાંક આવ્યો હતો. એવી જાહેરાત કરવામાં આવી કે બેનરજીનો એમનાં ભાજપનાં હરીફ સુવેન્દુ અધિકારી સામે 1,622 વોટથી પરાજય થયો છે.

બેનરજીએ આ જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો હતો અને ટીએમસીની માગણી પર ફરીથી મતગણતરી કરવામાં આવી. એમાં બેનરજી વિજયી બન્યાં તો અધિકારીએ વાંધો ઉઠાવ્યો હતો. એને પરિણામે ફરી મતગણતરી કરાઈ હતી. અને એમાં અધિકારી વિજયી જાહેર થયા. હવે બેનરજીએ આ મામલો કોર્ટમાં લઈ જવાનું નક્કી કર્યું છે. ટીએમસીના ટ્વિટર હેન્ડલ પર સાંજે 6.30 વાગ્યે એક ટ્વીટ મૂકવામાં આવી હતી જેમાં લખ્યું છે કે નંદીગ્રામમાં મતગણતરી હજી પૂરી થઈ નથી. મહેરબાની કરીને અફવા ફેલાવશો નહીં.