નવી દિલ્હીઃ કર્ણાટકના એક કાઉન્સિલરની પુત્રીની હત્યાનો મામલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કરનો મુદ્દો બન્યો છે. કોંગ્રેસ નેતાની પુત્રીને હુબલીની કોલેજમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ સાત વાર ચાકુ માર્યું હતું. પોલીસને આશંકા છે કે વાત નહીં માનવાને કારણે એ વિદ્યાર્થીએ યુવતીની હત્યા કરી દીધી હતી.
23 વર્ષીય નેહા હિરેમઠ માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનના પહેલા વર્ષની વિદ્યાર્થિની હતી અને હુબલીની કોલેજમાં શિક્ષણ લેતી હતી. ફયાઝ ખોંડુનાઇક નામનો યુવક પહેલાં એનો ક્લાસમેટ હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ નેહા પર અનેક વાર ચાકુથી હુમલો કરનાર ફૈયાઝે પૂછપરછ દરમ્યાન દાવો કર્યો હતો કે બંનેની વચ્ચે રિલેશન હતું, પરંતુ નેહા છેલ્લા ઘણા સમયથી તેનાથી બચવાના પ્રયાસ કરી રહી હતી.
નેહાની મોતનો મામલો કર્ણાટકની સત્તારૂઢ કોંગ્રેસ અને વિરોધ પક્ષ ભાજપની વચ્ચે રાજકીય ખેંચતાણનો મુદ્દો બની ગયો છે. કોંગ્રેસ આ ઘટનાને ખાનગી ઘટના તરીકે રજૂ કરી રહી છે, જ્યારે ભાજપે કહ્યું હતું કે રાજ્યમાં કાનૂન- વ્યવસ્થાની ખસ્તા હાલત છે. કેન્દ્રીય મંત્રી અને ધારવાડ લોકસભાથી ભાજપના ઉમેદવાર પ્રહલાદ જોશીએ આ ઘટના પાછળ લવ જિહાદ એન્ગલનો અંદેશો વ્યક્ત કર્યો હતો. તેમણે સિદ્ધારમૈયા સરકારમાં અલ્પસંખ્યકના તુષ્ટિકરણના રાજકારણનો આરોપ લગાવ્યો હતો અને તેમણે એક વિશેષ સમુદાય સાથે વિશેષ વ્યવહાર બંધ કરવાની અપીલ કરી હતી.
કર્ણાટક સરકારની મુશ્કેલીઓ એટલે પણ વધી ગઈ હતી, કેમ કે નેહાના કાઉન્સિલર પિતાએ પણ આ અપરાધને લવ જિહાદ ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમની પુત્રીને ફસાવવા માટે યોજના બનાવવામાં આવી હતી. તેઓ તેને ધમકી આપી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે મારી પુત્રીની સાથે જે થયું એ રાજ્ય અને દેશે જોયું. જો તેઓ આ બાબતને વ્યક્તિગત ગણાવે છે તો એમાં પર્સનલ શું છે? શું તેઓ મારા સંબંધી છે?