જસ્ટિસ ચેલમેશ્વરનો CJIને પત્ર: ‘કોલેજિયમ જસ્ટિસ જોસેફનું નામ કેન્દ્રને ફરીવાર મોકલો’

નવી દિલ્હી- ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે.એમ. જોસેફને સુપ્રીમ કોર્ટમાં લાવવા અંગે જસ્ટિસ ચેલમેશ્વરે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો છે. મહત્વનું છે કે, આ પહેલા પણ કેન્દ્રએ જસ્ટિસ જોસેફના નામને સુપ્રીમ કોર્ટ માટે મંજૂરી આપી નહતી.જસ્ટિસ ચેલમેશ્વરે CJI દીપક મિશ્રાને લખેલા પત્રમાં જસ્ટિસ જોસેફની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિની ભલામણ પર અમલ કરવાના નિયમમાં આવી રહેલા અવરોધનો ઉલ્લેખ કરતાં કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદના પત્રના દરેક મુદ્દાનો જવાબ આપ્યો છે.

કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદની દલિલોને નકારતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને લખેલા પત્રમાં જસ્ટિસ ચેલમેશ્વરે ભારપૂર્વક જણાવ્યું છે કે, કોલેજિયમ તેની ભલામણો ઉપર મક્કમ રહે અને જસ્ટિસ જોસેફનું નામ ફરીવાર કેન્દ્ર સરકારને મોકલાવે.

આપને જણાવી દઈએ કે, ગત 8 મેના રોજ ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે.એમ. જોસેફને પદોન્નત કરવાની ભલામણો અંગે વિચાર કરનારી સુપ્રીમ કોર્ટની કોલેજિયમની બેઠક યોજાઈ નહતી. હવે આ બેઠક આગામી બુધવારે યોજાશે તેમ માનવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે, હવે બેઠક ક્યારે યોજાશે તે અંગે ચીફ જસ્ટિસ દીપક મિશ્રા તારીખ નક્કી કરશે. જોકે હાલમાં બેઠકની તારીખને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું.

કેન્દ્ર સરકારે ગત 26 એપ્રિલના રોજ જસ્ટિસ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની કોલેજિયમની ભલામણને પરત મોકલાવી હતી. કોન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે ચીફ જસ્ટિસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ‘કે.એમ. જોસેફ મામલે પુન:વિચાર કરવાના પ્રસ્તાવને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને મંજૂરી આપી છે’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]