હાઇકોર્ટની વિપુલ ચૌધરીને મોટી લપડાક, 42 કરોડ પાછાં આપવાં પડશે

અમદાવાદ- દૂધસાહર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ગુજરાત હાઇકોર્ટે મોટી લપડાક લગાવી છે.  કરોડો રૂપિયાના કૌભાંડ મામલે હાઈકોર્ટે વિપુલ ચૌધરીને આ લપડાક લગાવી છે. વિપુલ ચૌધરીએ રાજ્ય સરકાર વિરૂદ્ધ કરેલી અરજીને ગુજરાત હાઈકોર્ટે  ફગાવી દીધી છે. કોર્ટે અરજી ફગાવવાની સાથે સાથે  વિપુલ ચૌધરી પાસેથી  રૂપિયા 42 કરોડ વસૂલવાનો આદેશ પણ આપ્યો છે.આ ચૂકાદો આપતાં હાઈકોર્ટ કહ્યું કે કલમ 93 હેઠળ દોષિત વ્યક્તિ સહકારી ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. જેને પગલે ચૌધરીની રાજકીય કારકિર્દી પર પણ સંકટના વાદળ છવાઇ ગયાં છે.

કેસની વિગત જોઇએ તો મહારાષ્ટ્રમાં દુકાળ સમયે વિપુલ ચૌધરીએ પશુઓ માટે પશુદાણ મોકલ્યું હતું. આ મદદમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ વિપુલ ચૌધરી પર લાગ્યો હતો જેેને લઇને રાજ્ય સરકારે ચૌધરીને શોકોઝ નોટીસ ફટકારી ભ્રષ્ટાચારની રકમ વસૂલવા માટે કામગીરી હાથ ધરી હતી. આની સામે વિપુલ ચૌધરીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને હાઈકોર્ટે હાલમાં ફગાવી દીધી છે. જેથી  42 કરોડ રૂપિયા વસૂલવાનો માર્ગ મોકળો બની ગયો છે.