ચોથી જૂન એ સાંપ્રદાયિક રાજકારણથી આઝાદીનો દિવસઃ યાદવ

નવી દિલ્હીઃ 18મી લોકસભાના પહેલા સંસદ સત્રનો આજે સાતમો દિવસ છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ હેઠળની ચર્ચા દરમ્યાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પછી SP પ્રમુખ અખિલેશ યાદવે મોદી સરકાર પર તીખો હુમલો કર્યો છે. જોકે સાંજે ચાર કલાકે PM મોદી સંસદને સંબોધન કરશે.

લોકસભામાં SPના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે બંધારણ જ સંજીવની છે અને એની જીત થઈ છે. પ્રજાએ સરકારનું અભિમાન તોડ્યું છે. બનારસમાં ક્યોટોની ફોટો લોકો શોધી રહ્યા છે. ગંગા જે દિવસે સાફ થશે, ક્યોટો બની જશે. આ ચૂંટણીમાં તોડવાવાળું રાજકારણ હાર્યું છે અને જોડવાવાળું રાજકારણ જીત્યું છે. UPમાં વિકાસને નામે ભ્રષ્ટાચારની લૂંટ મચી છે. તેમણે ચોથી જૂનને સાંપ્રદાયિક રાજકારણથી આઝાદીનો દિવસ બતાવ્યો હતો.

દેશમાં હારેલી સરકાર વિરાજમાન છે. ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની નૈતિક જીત થઈ છે. આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે હવે મનમરજી નહીં, પણ જનમરજી ચાલશે. આ ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની નૈતિક જીત છે. આ ચૂંટણીમાં સૌથી સારી વાત એ છે કે સાંપ્રદાયિક રાજકારણની હાર થઈ છે, એમ તેમણે કહ્યું હતું.

સપા નેતાએ EVMનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને એક શેર પણ કહ્યો હતો-

हजूर-ए-आला आज तक खामोश बैठे हैं इसी गम में,

महफिल लूट ले गया कोई जबकि सजाई हमने

અખિલેશ યાદવે કહ્યું હતું કે આ બહુમતની સરકાર નથી. તેમણે UPમાં પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાનું પણ પેપર લીક થઈ ગયું છે. છેલ્લાં 10 વર્ષોની ઉપલબ્ધિ એટલી રહી છે કે શિક્ષણ માફિયાનો જન્મ થયો હોય સરકાર આશાનું પ્રતીક હોવી જોઈએ, નિરાશાનું નહીં, એમ તેમણે કહ્યું હતું.