નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે વર્ષ 2008માં થયેલી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા મામલે ચાર દોષીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. પાંચમા દોષીને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે કહ્યું હતું કે આ ગુનો રેરેસ્ટ ઓફ રેરના અંતર્ગત નથી આવતો એટલે દોષીઓને મોતની સજા નથી આપવામાં આવી.
આ હત્યા કેસમાં રવિ કપૂર, અમિત શુક્લા, બલજિત સિંહ મલિક અને અજય કુમારને ઉંમરકેદની સજા સંભાળવવામાં આવી છે, જ્યારે પાંચમા દોષી અજય સેઠીને તેમની મદદ કરવા માટે ત્રણ વર્ષની સજા આપવામાં આવી છે. કોર્ટે ચારેય આરોપીઓને દંડ પણ ફટકાર્યો છે.
દિલ્હીની મહિલા ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા 30 સપ્ટેમ્બર 2008એ દિલ્હીના નેલ્સન મંડેલા માર્ગ પર થઈ હતી. ત્યારે સૌમ્યા નાઇટ શિફ્ટ કરીને ઓફિસેથી ઘરે પરત ફરી રહી હતી. પોલીસને સૌમ્યાનો મૃતદેહ તેની કારમાંથી મળ્યો હતો. આ હત્યા કેસની સૌથી ખાસ વાત એ છે કે તેનો ખુલાસો કરવામાં પોલીસને લગભગ છ મહિનાનો સમય લાગ્યો હતો. પોલીસે કોઈ બીજા હત્યાકાંડમાં આરોપીઓની ધરપકડ કરી હતી, જેમણે સૌમ્યાની હત્યાની વાત પણ કબૂલી લીધી હતી.
આ સુનાવણીમાં ન્યાયાધીશે સૌમ્યાની માતાને પૂછ્યું કે શું તેમને કંઈ કહેવું છે? તેના પર પીડિતાની માતાએ કહ્યું હતું કે 15 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. મારા પતિ ICUમાં દાખલ છે અને તેઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.
બંને કેસમાં ચારેય દોષિતોને અલગ-અલગ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. બંને આજીવન કેદની સજા એક બાદ એક ચાલશે. હત્યામાં રૂ.25,000-25,000 અને મકોકામાં 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલે કે ચારેયને બેવડી આજીવન કેદ સવા-સવા લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.