રવીશકુમારને મળ્યો પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડ, પ્રિયંકાએ આપી પ્રતિક્રિયા…

નવી દિલ્હીઃ એનડીટીવી ઈન્ડિયાના મેનેજિંગ એડિટર રવીશ કુમારને વર્ષ 2019 ના રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રવીશ કુમારને આ સન્માન હિંદી ટીવી પત્રકારત્વમાં તેમના યોગદાન માટે મળ્યું છે. આ એવોર્ડ મળ્યા બાદ ચારે બાજુથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. જેમાં પ્રિયંકા ગાંધીએ તેમને આગવા અંદાજમાં શુભેચ્છા આપી હતી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત, જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી અને ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયન બાદ હવે રવિશ કુમારને શુભકામનાઓ આપનારા લોકોમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું નામ પણ જોડાયું છે. પ્રિયંકાએ ટ્વીટ કરીને રવીશ કુમારને શુભેચ્છાઓ આપી છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કેઃ સત્ય કહેવાનું સાહસ અને આલોચનાના વિવેકની મશાલને જીવંત રાખનારા પત્રકાર રવીશ કુમારને રેમન મેગ્સેસે એવોર્ડ મળવા બદલ અભિનંદન, હું તેમના ધૈર્યનો આદર કરું છું. કોંગ્રેસ મહાસચિવે આ પ્રકારની શુભેચ્છાઓ રવીશ કુમારને આપી.

રાહુલ ગાંધીએ રવીશ કુમારને શુભેચ્છાઓ આપતા ટ્વીટ કર્યું કે ભારતીય પત્રકારિતાના અપવાદ રવીશ કુમારને શુભકામનાઓ. હું જાણું છું કે ભારત અને તેના સંસ્થાનો પર થઈ રહેલા હુમલાનો મુકાબલો કરવા માટે તેમના જેવા ઘણા અન્ય લોકો ઉભા થવા માટે તૈયાર છે.

તો કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ ટ્વીટ કર્યું કે રવીશ કુમારને રૈમોન મૈગસેસ પુરસ્કાર જીતવા પર ખૂબ ખૂબ શુભકામનાઓ. તેમની ઈમાનદાર પત્રકારિતા લોકોનો અવાજ છે અને તેઓ સત્તામાં બેઠેલા લોકો વિરુદ્ધ લડાઈમાં રાજનૈતિક દબાણથી પણ નથી ડર્યા.

આપને જણાવી દઈએ કે રૈમોન મૈગસેસને એશિયાનો નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે. આપને જણાવી દઈએ કે મૈગસેસ પુરસ્કાર એશિયાના વ્યક્તિઓ અને સંસ્થાનોને તેમના પોતાના ક્ષેત્રમાં વિશેષ રુપથી ઉલ્લેખનીય કાર્ય કરવા માટે પ્રદાન કરવામાં આવે છે. આ પુરસ્કાર ફિલીપીન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રેમન મેગ્સેસેની યાદમાં આપવામાં આવે છે. રવીશ કુમાર એવા છઠ્ઠા પત્રકાર છે કે જેમને આ પુરસ્કાર મળ્યો છે. આ પહેલા અમિકાભ ચોધરી, વીજી વર્ગીઝ, અરુણ શૌરી, આર.કે લક્ષ્મણ, પી.સાંઈનાથને આ પુરસ્કાર મળ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]