ભાજપમાં સામેલ થવું એ સોનેરી પળઃ દિનેશ ત્રિવેદી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. TMCના ભૂતપૂર્વ રાજ્યસભાના સંસદસભ્ય દિનેશ ત્રિવેદી ભાજપમાં સામેલ થયા છે. ભાજપાધ્યક્ષ જે. પી. નડ્ડાની હાજરીમાં દિનેશ ત્રિવેદી ભાજપમાં સામેલ થયા હતા. તેમણે હાલમાં રાજ્યસભાના પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ભાજપમાં સામેલ થવું એ મારે માટે સોનેરી પળ છે.  ત્રિવેદી મમતા બેનરજીની નજીકના હતા અને કોંગ્રેસની મનમોહન સિંહ સરકારમાં રેલવેપ્રધાન પણ રહી ચૂક્યા છે.

દિનેશ ત્રિવેદીએ કહ્યું હતું કે મને વેપારમાં ક્યારેય રસ નથી. આજે હું જનતા પરિવારથી જોડાઈ ગયો છું.  હું બીજી પાર્ટીનું નામ નહીં લઉં, પણ ત્યાં પાર્ટીમાં તેઓ લોકોની સેવા નથી કરતા, પણ એક પરિવારની સેવા કરવી પડે છે. રાજ્યસભાના સંસદસભ્ય દિનેશ ત્રિવેદીએ વડા પ્રધાન મોદીના વિવેકાનંદના નિવેદન બદલ પ્રશંસા કરી હતી. ત્રિવેદીએ બજેટ સત્રના છેલ્લા દિવસે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતું.

દિનેશ ત્રિવેદી કોંગ્રેસ પાર્ટીમાં 1980થી 1990 સુધી હતા, એ પછી તેઓ જનતા દળમાં 1998 સુધી રહ્યા હતા. ત્યાર બાદ તેઓ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં ગયા હતા. હવે તેઓ ભાજપમાં સામેલ થયા છે.

 મિથુન ચક્રવર્તી પણ ભાજપમાં સામેલ થશે?

તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ રાજ્યસભાના સભ્ય મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ થવાની અટકળો તેજ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કોલકાતાના બ્રિગ્રેડ પરેડ ગ્રાઉન્ડમાં મંચ શેર કરશે.