PM ઇમરાન ખાને નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત જીત્યો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત જીતી લીધો છે. ઇમરાન ખાને 178 મતોની સાથે શનિવારે વિશ્વાસનો મત જીતી લીધો છે. વિશ્વાસ મત જીતવા માટે ખાનને 172 મતોની જરૂર હતી.  બુધવારે સેનેટની ચૂંટણીમાં નાણાપ્રધાન અબ્દુલ હાફિઝ શેખની હારથી નામોશી વહોરી રહેલી ઇમરાન સરકારને મોટી રાહત થઈ છે. સ્પીકરે પરિણામની જાહેરાત કરતાં કહ્યું હતું કે આઠ વર્ષ પહેલાં ઇમરાન 176 મતોની સાથે આ પદે આરૂઢ થયા હતા.

દેશના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ સરકારના સમર્થનમાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સેનેટ ચૂંટણીમાં સરકારના નાણાપ્રધાન હાફિઝ શેખ વિપક્ષના ઉમેદવાર યુસુફ રજા ગિલાનીથી હારી ગયા હતા, જે ઇમરાન સરકાર માટે એક મોટો ઝટકો હતો. એ પછી સરકારના રાજીનામાની માગ થઈ રહી હતી. જેથી ઇમરાન ખાન નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત હાંસલ કરવાની ઘોષણા કરી દીધી હતી.

.ઇમરાન ખાનની પાર્ટીએ તહરિક-એ-ઇન્સાફ સેનેટની સૌથી ચર્ચિત ઇસ્લામાબાદની સીટ હાર્યા પછી વિપક્ષની માગ પર સંસદમાં વિશ્વાસ મત હાંસલ કર્યો હતો. ઇમરાન ખાનની પાર્ટીએ સેનેટની ચૂંટણીમાં 18 સીટો હાંસલ કરી હતી. જોકે વિશ્વાસ મત પહેલાં વિપક્ષે સંસદનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.

વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ થતાં પહેલાં ઇમરાન ખાને પોતાના સંસદભ્યોને ધમકી આપી હતી કે વિશ્વાસ મત પ્રસ્તાવના મતદાન દરમ્યાન પાર્ટી લાઇનને ફોલો કરો અથવા પરિણામ ભોગવવાં તૈયાર રહો. જો કોઈ નેતા પાર્ટીના નિર્દેશો મુજબ મત ના આપ્યો તો પાર્ટી તેને તેઓ ડિફેક્ટેડ કરાર આપી દેશે.