મુંબઈ: કથિતપણે મની લોન્ડરિંગ કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીના અધિકારીઓએ જેટ એરવેઝના ભૂતપૂર્વ ચેરમેન નરેશ ગોયલના મુંબઈસ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા છે અને એમને અટકમાં લીધા હોવાનો અહેવાલ છે.
આર્થિક ગેરરીતિઓમાં તપાસ કરતી કેન્દ્રીય એજન્સી EDએ નરેશ ગોયલ તથા બીજાં અમુક જણ સામે મની લોન્ડરિંગનો કેસ કર્યો છે.
જેટ એરવેઝને હાલ બંધ કરી દેવામાં આવી છે.
ઈડીના અધિકારીઓએ મની લોન્ડરિંગના કેસના સંબંધમાં પૂછપરછ માટે નરેશ ગોયલને ગઈ કાલે એજન્સીના કાર્યાલય ખાતે બોલાવ્યા હતા. ત્યારબાદ ગોયલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા.
નરેશ ગોયલની જેટ એરવેઝે ભંડોળને અન્યત્ર વાળવા સહિતની કેટલીક નાણાકીય ગેરરીતિઓ આચરી હોવાની શંકા છે અને માટે જ એમની સામે તપાસ ચલાવવા માટે નવો કેસ નોંધવામાં આવ્યો છે.
ગયા વર્ષે ઈડી એજન્સીએ નરેશ ગોયલ અને એમની એરલાઈન સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ભંગ બદલ એક કેસ નોંધ્યો હતો.