પણજીઃ ગોવામાં કોરોનાના વધતા કેસોને જોતાં રાજ્યના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે લોકડાઉન લંબાવવાની ઘોષણા કરી છે. એની સાથે રાજ્યમાં જનતા કરફ્યુ પણ લગાવવામાં આવશે, જે રાતના આઠ કલાકથી સવારે છ કલાક સુધી રોજ લાગુ પડશે. આ જનતા કરફ્યુ આજથી એટલે કે બુધવારથી લાગુ થશે. જોકે સપ્તાહમાં ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે. મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે રાજ્યમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. એને ધ્યાનમાં રાખતાં લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકડાઉન 10 ઓગસ્ટ સુધી જારી રહેશે.
લોકડાઉન દરમ્યાન મેડિકલ સેવા જારી રહેશે
આ લોકડાઉન દરમ્યાન માત્ર મેડિકલ સેવાઓને જ ચાલુ રાખવા દેવામાં આવશે. ત્યાં સપ્તાહમાં ત્રણ દિવસ- શુક્રવાર, શનિવાર અને રવિવારે સંપૂણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ગોવામાં કોરોના વાઇરસના સંક્રમણના 2753 કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે 18 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આટલું જ નહીં, સંક્રમણને જોતાં ગોવા સરકારે રાજ્ય સરકારની બધી હોસ્પિટલોના 20 ટકા બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ વિશે રાજ્યમાં આરોગ્ય સેવાના ડિરેક્ટર ડો. જોસ ડીસાએ કહ્યું હતું કે ગોવામાં ICU સુવિધાઓવાળી બધી ખાનગી હોસ્પિટલો માટે કોરોના દર્દીઓ માટે 20 ટકા બેડ અનામત રાખવા ફરજિયાત છે. આ આદેશની સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે જો કોઈ આ આદેશોનું પાલન નહીં કરે તો એનું લાઇસન્સ રદ કરવામાં આવશે.