આમજનતાને હવે મોદીના વચનોમાં વિશ્વાસ રહ્યો નથીઃ રાહુલનો દાવો

નવી દિલ્હી – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે અહીં યોજેલી જન આક્રોશ રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એમની સરકાર ઉપર આકરાં પ્રહારો કર્યા હતા.

રાહુલે કહ્યું કે, મોદી વચનો આપ્યા કરે છે, પણ આમ આદમીને હવે એમના શબ્દોમાં વિશ્વાસ રહ્યો નથી.

રાહુલે કહ્યું કે આપણા વડા પ્રધાન ભાષણો કર્યા કરે છે અને વચનો આપ્યા કરે છે. એ જ્યાં જાય છે ત્યાં લોકોને નવા વચનો આપે છે, પરંતુ લોકોને હવે એમના શબ્દો પર વિશ્વાસ રહ્યો નથી.

રાહુલ ગાંધીએ એમની પાર્ટી દ્વારા આયોજિત જન આક્રોશ રેલીમાં અનેક મુદ્દા પર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.

‘મોદીએ વચન આપ્યું હતું કે સત્તા પર આવ્યા બાદ દર વર્ષે બે લાખ લોકોને રોજગાર મળશે. લોકોએ એમની પર વિશ્વાસ કર્યો હતો, પણ આજે ચાર વર્ષ પછી દેશમાં બેરોજગારી વ્યાપક બની ગઈ છે. નોટબંધી અને ગબ્બર સિંહ ટેક્સ (જીએસટી) જેવા પગલાંએ વ્યાપાર ક્ષેત્રની કમ્મર ભાંગી નાખી છે,’ એમ રાહુલે કહ્યું.

‘દેશમાં દરેક ઠેકાણે લોકો સરકારથી નારાજ છે. મોદી સરકારના નોટબંધી નિર્ણયે દેશભરમાં નાના દુકાનદારોના ધંધા ખતમ કરી નાખ્યા છે. નોટબંધી લાગુ કરીને સરકારે જનતાને લાઈનમાં ઊભી કરી દીધી જ્યારે નીરવ મોદી વિશે કંઈ બોલ્યા નથી,’ રાહુલે વધુમાં પોતાનો આક્રોશ ઠાલવતાં કહ્યું હતું.

કિસાનો વિશે રાહુલે કહ્યું કે, માત્ર કોંગ્રેસ પાર્ટી જ કિસાનોને સપોર્ટ કરી શકે એમ છે અને એમના હિતોનું રક્ષણ કરી શકે એમ છે. અમે સત્યની સાથે ઊભાં છીએ જ્યારે નરેન્દ્ર મોદી સત્તાની પાછળ સંતાઈ ગયા છે.

મોદીના રાજમાં ભ્રષ્ટાચારના મૂળ વધારે મજબૂત થયાઃ સોનિયા ગાંધી

કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ જનાક્રોશ રેલીમાં મોદી સરકારને માથે માછલાં ધોયાં હતાં. એમણે કહ્યું કે ભાજપ-એનડીએના શાસનમાં ભ્રષ્ટાચારના મૂળ વધારે મજબૂત થયા છે.

મોદીની તીવ્ર રીતે ઝાટકણી કાઢતાં સોનિયાએ સવાલ પૂછ્યો કે, ‘એમણે આપેલા પેલા નારાનું શું થયું? ‘ન ખાઉંગા, ન ખાને દૂંગા’.

મોદી સરકારે દેશની સંસ્થાનોને નબળી પાડી દીધી છે અને ચૂંટણી જીતવા માટે સમુદાયોમાં ભાગલા પડાવે છે. ન્યાયતંત્ર અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. મિડિયાને એની ભૂમિકા ભજવવા દેવામાં આવતી નથી. અમે દેશની જનતાને ખાતર લડી લઈશું.