કેદારનાથ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા

રુદ્રપ્રયાગ (ઉત્તરાખંડ) – અત્રે ગઢવાલ હિમાલયમાં આવેલા પવિત્ર યાત્રાધામ કેદારનાથમાં ભગવાન કેદારનાથના મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે આજે સવારે ફરી ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

સવારે 6.15 વાગ્યે પરંપરાગત હિન્દુ મંત્રોચ્ચાર સાથે મંદિરના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. એ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત તથા ગવર્નર કે.કે. પોલ તથા અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે. બાબા કેદારનાથ (ભગવાન શંકર)ના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓના જથ્થા મંદિર ખાતે પહોંચવાનું શરૂ થઈ ગયું છે.

મંદિરનાં દ્વાર ફરી ખુલ્લા મૂકવાની પ્રક્રિયા આજે સવારે 4 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. સૌથી પહેલાં ડોલીને મંદિરની અંદર પ્રવેશ કરાવાયો હતો. મંત્રોચ્ચાર સાથે જળાભિષેક, રુદ્રાભિષેક સહિત તમામ ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ લગભગ 6.15 વાગ્યે મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકાયા હતા.

આ મંદિર મહાભારત યુગમાં બાંધવામાં આવ્યું હતું. શિયાળાની ઋતુમાં ચારેબાજુએ બરફ છવાઈ જતો હોવાથી આ મંદિર છ મહિનાઓ દરમિયાન બંધ રાખવામાં આવે છે અને વર્ષના બાકીના છ મહિના ખુલ્લું મૂકવામાં આવે છે.

આ મંદિર દરિયાઈ સપાટીથી આશરે 3000 મીટર ઊંચાઈ પર આવેલું છે.

મુખ્ય પ્રધાન રાવતે કહ્યું કે, આ વર્ષની કેદારનાથ યાત્રા અનેક રીતે નવીનતાભરી હશે. શ્રદ્ધાળુઓને ભગવાન શંકર (કેદારનાથ) પર રોજ લેસર શો નિહાળવા મળશે, જે દ્વારા શ્રદ્ધાળુઓ ભગવાન શંકરનો મહિમા જોઈ શકશે, આ મંદિરના મહત્વ અને ઈતિહાસને જાણી શકશે.

રાવતે મંદિરને ફરી ખુલ્લું મૂકાયું એ પૂર્વે શનિવારે રાતે કરવામાં આવેલી વ્યવસ્થા દર્શાવતો ઉત્તરાખંડ ટૂરિઝમનો વિડિયો શેર કર્યો છે.

યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓની યાત્રા સરળ બની રહે એ માટે રાજ્ય સરકારે વીજળી અને પાણી પુરવઠો, આરોગ્ય તથા સલામતીને લગતાં તમામ જરૂરી પગલાં લીધા છે અને વ્યવસ્થા કરી છે.

દરમિયાન, બદરીનાથ મંદિરના દ્વાર આવતીકાલે સોમવારે સવારે 4.30 વાગ્યે ફરી ખુલ્લા મૂકવામાં આવશે. આ વર્ષની ચાર-ધામ યાત્રાની શરૂઆત 18 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દ્વાર ખુલ્લા મૂકાવાની સાથે શરૂ થઈ ગઈ છે.

httpss://twitter.com/UTDBofficial/status/990241328574349313