લાલ કિલ્લાને દાલમિયા ગ્રુપે દત્તક લીધો, ITC કંપનીએ તાજમહેલ દત્તક માગ્યો

નવી દિલ્હીઃ સરકારની “એડોપ્ટ એ હેરિટેજ” સ્કીમ અંતર્ગત લાલ કિલ્લાને દાલમિયા ગ્રુપે પાંચ વર્ષ માટે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટથી દત્તક લીધો છે. દાલમિયા ગ્રુપ લાલ કિલ્લાની માવજત પર પ્રતિવર્ષ આશરે 5 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરશે. જેમાં લાલ કિલ્લા પર સુવિધાઓને વધારવા અને તેની સ્વચ્છતા સહિતના મુદ્દે કામ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે “એડોપ્ટ એ હેરિટેજ” સ્કીમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે પર્યટન દિવસના રોજ શરૂ કરી હતી.

“એડોપ્ટ એ હેરિટેજ સ્કીમ અંતર્ગત ” સરકાર ખાનગી કંપનીઓને ઐતિહાસિક ધરોહરોને સંભાળવા અને દત્તક લેવા માટે આમંત્રિત કરે છે. હવે આ અંતર્ગત પાંચ વર્ષ સુધી લાલ કિલ્લાને સંભાળવાની જવાબદારી લાલ કિલ્લાને મળી છે. ભારત સરકારે દાલમિયા ગ્રુપ સાથે લાલ કિલ્લા અને કડપા જિલ્લાના ગંડીકોટા કિલ્લાને લઈને એમઓયૂ સાઈન કર્યા છે.

આ એમઓયૂ અંતર્ગત હવે દાલમિયા ગ્રુપ લાલ કિલ્લામાં સુવિધાઓ વધારવા માટે કાર્ય કરશે. જેમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, સર્વિલન્સ સિસ્ટમ, પર્યટકો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા અને તેમને ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવાના કામનો સમાવેશ થાય છે. તો આ સીવાય દિવ્યાંગો માટે સુવિધાઓ વધારવાનું કામ પણ હશે.

આ સિવાય તાજમહેલની દેખરેખ માટે પણ બે કંપનીઓ સામે આવી છે. આ બંને કંપનીઓમાં એક આઈટીસી અને બીજી જીએમઆર ગ્રુપ છે. હવે જોવાનું એ રહેશે કે આ બંને કંપનીઓમાંથી કઈ કંપનીને તાજમહેલ દત્તક લેવાનો મોકો મળે છે.