જમ્મુ-કશ્મીર પ્રધાનમંડળમાં ફેરફાર: કવિન્દ્ર ગુપ્તાએ સંભાળ્યો Dy CMનો ચાર્જ

શ્રીનગર – જમ્મુ-કશ્મીરમાં મેહબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીડીપી-ભાજપ સંયુક્ત સરકારમાં આજે ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાન પદેથી ભાજપના નિર્મલ સિંહે રાજીનામું આપી દીધા બાદ કવિન્દ્ર ગુપ્તાની આ પદ પર વરણી કરવામાં આવી છે.

મુખ્ય પ્રધાન મેહબૂબા મુફ્તી, નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરાયેલા કવિન્દ્ર ગુપ્તા

ડો. નિર્મલ સિંહના રાજીનામાનો મુખ્ય પ્રધાન મુફ્તીએ ગઈ કાલે જ સ્વીકાર કરી લીધો હતો.

ડો. નિર્મલ સિંહને રાજ્ય વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જમ્મુ-કશ્મીર સરકારમાં પાર્ટીના નવા પ્રધાનોના નામોને ગઈ કાલે સાંજે દિલ્હીમાં મંજૂરીની મ્હોર મારી દીધી હતી.

જમ્મુના કન્વેન્શન સેન્ટરમાં આજે બપોરે 12 વાગ્યે શપથ ગ્રહણ સમારંભ યોજાશે. ભાજપ પોતાના પાંચ કેબિનેટ અને એક રાજ્યપ્રધાનને શપથ લેવડાવશે. રાજ્યના ગવર્નર એન.એન. વોહરા નવા સભ્યોને શપથ લેવડાવશે.

ભાજપના નવા કેબિનેટ પ્રધાનો છે – પ્રદેશ ભાજપ પ્રમુખ સત શર્મા, કઠુઆના વિધાનસભ્ય રાજીવ જસરોટિયા, સાંબાના વિધાનસભ્ય ડો. દેવેન્દ્ર મન્યાલ અને રાજ્યપ્રધાન સુનીલ શર્માને કેબિનેટ પ્રધાન તરીકે બઢતી આપવામાં આવશે. ડોડાના વિધાનસભ્ય શક્તિ પરિહારને રાજ્યપ્રધાન તરીકે પ્રધાનમંડળમાં સામેલ કરાશે. પાર્ટી મોવડીમંડળે સ્વાસ્થ્ય પ્રધાન બાલી ભગત અને શિક્ષણ પ્રધાન પ્રિયા સેઠીને પ્રધાનમંડળમાંથી દૂર કરી દીધા છે.