જમ્મુ-કાશ્મીર ચૂંટણીઃ બીજા તબક્કામાં 54 ટકા મતદાન

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન થયું હતું. રાજ્યના છ જિલ્લાની 26 સીટો પર મતદાન થયું હતું. આ બીજા તબક્કામાં 239 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય 25.78 લાખ મતદાતાઓ કરશે. ચૂંટણી પંચના ડેટા મુજબ સાંજે પાંચ વાગ્યા સુધી 54.12 ટકા મતદાન થયું હતું.

જમ્મુ-કાશ્મીર ચૂંટણીના બીજા તબક્કામાં મતદાનથી ચૂંટણી પંચ ખુશ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે રાજ્યમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે નીકળ્યા છે. અહીં ઇતિહાસ બની રહ્યો છે. અમે બહુ ખુશ છીએ કે ખીણમાં  અને જમ્મુમાં ઉત્સાહ સાથે મતદાન થઈ રહ્યું છે.

તેમણે તેમના સાથી ચૂંટણી કમિશનરો જ્ઞાનેશકુમાર અને શુખબીર સિંહ સંધુની હાજરીમાં કહ્યું હતું કે આ લોકતંત્રનું પર્વ છે. એ ક્ષેત્રોમાં મતદાન થઈ રહ્યું છે, જ્યાં મતદાન નહોતું થતું. આ લોકતંત્રનું ઉચિત સન્માન છે.

રાજ્યમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે મતદાન થઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણી જોવા માટે મોટી સંખ્યામાં વિદેશી ડિપ્લોમેટ્સ આવ્યા છે. બીજા તબક્કા દરમ્યાન 15 દેશોના ડિપ્લોમેટ્સે મતદાન કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તેમણે મતદાતાઓ સાથે વાતચીત પણ કરી હતી. નોર્વેના ડિપ્લોમેટ્સે કહ્યું હતું કે ચૂંટણી સારી રીતે વ્યવસ્થિત રીકે થઈ છે. અમે કેલાં ક્યાંય પણ આ રીતે વ્યવસ્થા નથી જોઈ. રાજ્યમાં શાંતિપૂર્વ રીતે મતદાન થઈ રહ્યું છે.