સદ્દભાવનાઃ હિન્દુ-મુસ્લિમોએ જહાંગીરપુરીમાં સાથે મળીને ‘તિરંગા-યાત્રા’ કાઢી

નવી દિલ્હીઃ અહીંના જહાંગીરપુરી મોહલ્લામાં કોમી વાતાવરણને બગાડનાર હિંસક અથડામણો થયાના એક અઠવાડિયા બાદ, ગઈ કાલે હિન્દુ અને મુસ્લિમ, બંને સમાજના લોકો ‘તિરંગા યાત્રા’માં સામેલ થયાં હતાં અને દેશમાં શાંતિ તથા કોમી સંવાદિતા જાળવી રાખવાના નક્કર સંદેશનો પ્રસાર કર્યો હતો. બંને સમાજના લોકોએ સાંજે જહાંગીરપુરી વિસ્તારમાં સાથે મળીને ‘તિરંગા યાત્રા’ કાઢી હતી. દેશમાં એકતા, શાંતિ અને કોમી સંવાદિતા જાળવવાના સંદેશ સાથે લોકો રાષ્ટ્રીય તિરંગો હાથમાં પકડીને અને બાબાસાહેબ આંબેડકરની તસવીરો સાથે યાત્રામાં સામેલ થયા હતા.

ગઈ 16 એપ્રિલે હનુમાન જયંતીના દિવસે જહાંગીરપુરી મોહલ્લામાંથી એક સરઘસ નીકળ્યું હતું ત્યારે એની પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને હવામાં ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. એને પગલે કોમી હિંસા ફાટી નીકળી હતી, જેમાં અનેક પોલીસ જવાન તથા નાગરિકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસે તે ઘટનાના સંબંધમાં 24 જણની ધરપકડ કરી છે. એમાંના બે આરોપી સગીર વયના છે. મુખ્ય આરોપીઓના નામ છે – અંસાર શેખ, સલીમ ચિકના, યુનુસ ઈમામ શેખ ઉર્ફે સોનુ ચિકના, દિલશાદ, અહીર.

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના નાયબ પોલીસ કમિશનર ઉષા રંગાનીએ કહ્યું કે, બંને સમાજના સભ્યોને સામેલ કરતી એક સંયુક્ત શાંતિ સમિતિની અમે રચના કરી હતી. એ લોકોએ જ કોમી એખલાસ જાળવવાની જનતાને અપીલ કરવા માટે જહાંગીરપુરીમાં ‘તિરંગા યાત્રા’ કાઢવાનું સૂચન કર્યું હતું. તિરંગા યાત્રા શાંતિપૂર્ણ રહી હતી અને બંને સમાજનાં લોકો એકબીજાને ભેટ્યા પણ હતા.