નવી દિલ્હીઃ હરિયાણામાં જોરશોરથી વિધાનસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસની અંદર CMના ચહેરાને લઈને લડાઈ તેજ થઈ છે. પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે CM બનવા માટે વિધાનસભ્ય હોવું જરૂરી નથી. તેમનું નિવેદન દર્શાવે છે કે તેઓ પણ CMપદની રેસમાં છે.
તેમણે કહ્યું હતું કે વર્ષ 2005માં પણ કોંગ્રેસના એક સાંસદને રાજ્યના CM બનાવ્યા હતા. વર્ષ 2005ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી હતી. પાર્ટીએ ત્યારે 90માંથી 67 સીટો પર જીત હાંસલ કરી હતી. એ સમયે પાર્ટી તરફથી ભૂતપૂર્વ CM ભજનલાલ સૌથી મોટા ચહેરો હતા, પરંતુ પાર્ટીના તત્કાલીન સાંસદ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને CM બનાવ્યા હતા.
સૂરજેવાલાનું આ નિવેદન સપ્ષ્ટ કરે છે કે કોંગ્રેસે ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યો તો CM પદ લઈને ખેંચતાણ ચાલી રહી છે. જોકે રાજ્યમાં હુડ્ડાનું કદ બાકી નેતાઓ પર ભારે છે.
પાર્ટીના એક વધુ દિગ્ગજ નેતા અને સિરસાથી સાંસદ કુમારી શૈલજા પણ ખૂલીને કહી ચૂક્યાં છે કે તેઓ પણ CMપદના દાવેદાર છે.
બીજી બાજુ, ભાજપમાં પણ CMપદની ખેંચતાણ છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું જ છે કે નાયબ સિંહ સૈની પાર્ટીના CMપદનો ચહેરો છે, પણ રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ વિજ પણ કહી ચૂક્યા છે કે રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો તેઓ CMપદનો દાવો રજૂ કરશે.
આમ બંને પક્ષોની વચ્ચે CM કોણ બનશે, એને લઈને લડાઈ જારી છે.