ઈસ્કોન સંસ્થાએ મેનકા ગાંધીને રૂ.100 કરોડના માનહાનિ કેસની નોટિસ મોકલી

નવી દિલ્હીઃ ‘ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન) દેશની સૌથી મોટી દગાબાજ સંસ્થા છે, કારણ કે એ તેની ગૌશાળાની ગાયો કસાઈઓને વેચે છે.’ આવું વિવાદાસ્પદ નિવેદન કરવાનું ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધીને ભારે પડી ગયું છે. ઈસ્કોન સંસ્થાએ એમને રૂ. 100 કરોડનો માનહાનિનો કેસ કરવાની નોટિસ આપી છે.

ઈસ્કોન, કોલકાતાના વાઈસ-પ્રેસિડેન્ટ અને પ્રવક્તા રાધારમણ દાસે X (અગાઉના ટ્વિટર) પર મૂકેલી પોસ્ટમાં કહ્યું છે, ‘ઈસ્કોન સામે સદંતર પાયાવિહોણા આક્ષેપો કરવા બદલ અમે આજે શ્રીમતી મેનકા ગાંધીને રૂ. 100 કરોડના માનહાનિના દાવાની નોટિસ મોકલી છે. આ બદનામીભર્યા, નિંદાત્મક  અને કમનસીબ આક્ષેપોથી ઈસ્કોનના દુનિયાભરમાંના ભક્તો, સમર્થકો અને શુભેચ્છકોને અત્યંત દુઃખ થયું છે. ઈસ્કોન સામે આવા ખોટા પ્રચાર સામે ન્યાય મેળવવા માટે અમે કોઈ કસર બાકી નહીં રાખીએ.’

મેનકા ગાંધી ઉત્તર પ્રદેશના સુલતાનપુર મતવિસ્તારમાંથી ભાજપાનાં સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ જનાવરોનાં અધિકારો માટે લડત ચલાવવા માટે પણ જાણીતાં છે. ગઈ 27 સપ્ટેમ્બરે મેનકા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. એમાં તેઓ એવું બોલતાં સંભળાય છે કે, ઈસ્કોન દેશની સૌથી મોટી દગાખોર સંસ્થા છે. એણે ગૌશાળાઓ બનાવીને એમાંથી મોટા ફાયદા મેળવ્યા છે. તેણે ગૌશાળાના આધાર પર સરકાર પાસેથી પણ જમીનના રૂપમાં મોટો ફાયદો મેળવ્યો છે. ઈસ્કોન તેની બધી ગાય કસાઈઓને વેચે છે. મેનકાનાં આ આક્ષેપને ઈસ્કોન સંસ્થા તરત જ રદિયો આપ્યો હતો.