મૈસુરુઃ ભારત દેશ સહિત સમગ્ર દુનિયા આજે આઠમો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના હેરિટેજ શહેર તરીકે જાણીતા મૈસુરુમાં ‘યોગ દિવસ’ની ઉજવણીમાં દેશની આગેવાની લીધી છે. મૈસુરુ પેલેસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમૂહ યોગમાં વડા પ્રધાન મોદીની સાથે 15,000 લોકો પણ સહભાગી થયા હતા. તેમની સાથે રાજ્યના ગવર્નર થાવરચંદ ગેહલોત, મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈ, કેન્દ્રના આયુષ મંત્રાલયના પ્રધાન સર્બનાનંદ સોનોવાલ, મૈસુરુના શાહી યુવરાજ યદુવીર કૃષ્ણદત્ત ચામરાજ વાડિયાર તથા ‘રાજમાતા’ પ્રમોદા દેવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
મોદીએ આ પ્રસંગે કહ્યું કે યોગ વિદ્યા આજે આંતરરાષ્ટ્રીય સહકારની ભાવનાનો આધાર બની ગઈ છે. તે આપણા જગતમાં શાંતિ લાવે છે. તે વૈશ્વિક પર્વ છે અને જીવનશૈલીનો એક હિસ્સો બની ગઈ છે.
મૈસુરુ પેલેસમાં સમૂહ યોગ કાર્યક્રમમાં મોદીએ સહભાગીઓને ભુજંગાસન, ઉત્તાનપાદાસન, અર્ધ હલાસન, પવનમુક્તાસન, શવાસન જેવા વિવિધ યોગાસન કરાવ્યા હતા.
