સુરત-પુરી એક્સપ્રેસને ઓડિશામાં અકસ્માતઃ તપાસનો આદેશ

ભૂવનેશ્વરઃ ઓડિશાના પુરી અને સુરત શહેર વચ્ચે દોડાવાતી પુરી-સુરત એક્સપ્રેસ ટ્રેન (02827) સુરત તરફ જતી હતી ત્યારે આજે વહેલી સવારે એને ઓડિશાના સંબલપુર ડિવિઝનના હાતીબારી અને માનેશ્વર રેલવે સ્ટેશનોની વચ્ચે નડેલા અકસ્માતમાં તપાસ કરવાનો ઈસ્ટ કોસ્ટ રેલવેના જનરલ મેનેજરે આદેશ આપ્યો છે. આ અકસ્માતમાં એક હાથી પાટા પર આવી જતાં ટ્રેનની હડફેટે આવી ગયો હતો. હાથીનું મરણ નિપજ્યું હતું. અકસ્માતને કારણે ટ્રેનના છ પૈડાં પાટા પરથી ખડી પડ્યા હતા. સદ્દભાગ્યે મોટી દુર્ઘટના થઈ નહોતી. તેમજ પ્રવાસીઓમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પણ થઈ નથી.

આ ઘટના સોમવારે વહેલી સવારે લગભગ 2.04 વાગ્યે બની હતી. વિસ્તારમાં હાથીની અવરજવર રહેતી હોવાની ચેતવણી અગાઉથી આપવામાં આવી જ છે. તેથી ટ્રેન પ્રતિ કલાક 50 કિ.મી.ની ઝડપે જ દોડાવવામાં આવે છે. પરંતુ તે છતાં હાથી ટ્રેનના એન્જિનની હડફેટે આવી ગયો હતો. હાથી અથડાતાં એન્જિનની આગળની ટ્રોલીના બધા પૈડાં નીકળી ગયા હતા. ઘટનાની જાણ થયા બાદ તમામ સિનિયર રેલવે અધિકારીઓ અને રિલીફ ટ્રેન સાથે ત્યાં પહોંચી ગયા હતા.