નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ‘ઈન્ડિયા ગ્લોબલ વીક’ને સંબોધન કર્યું હતું. એમણે કહ્યું હતું કે ભારત એવા ટેલેન્ટ પાવરનું હબ છે જે દુનિયામાં પોતાની પહોંચ દેખાડવા ઈચ્છે છે. પોતાના સંબોધનમાં મોદીએ કોરોના વયારસ સંકટ અને અર્થવ્યવસ્થાને લઈને સર્જાયેલા પડકારો પર વાત કરી. આ સાથે જ રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે ઈતિહાસ દર્શાવે છે કે ભારત દરેક પડકારને પહોંચી વળવામાં સક્ષમ રહ્યું છે. પછી તે પડકાર સામાજિક હોય કે આર્થિક.
મોદીએ કહ્યું કે, ભારત કોરોના વાયરસ મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાંથી બહાર આવી રહ્યું છે અને અર્થવ્યવસ્થામાં આર્થિક પુનરુદ્ધારના સંકેત દેખાવા લાગ્યા છે. ભારત વિશ્વની સૌથી મુક્ત અર્થવ્યવસ્થાઓ પૈકી એક છે. આપણે બધી જ વૈશ્વિક કંપનીઓને ભારતમાં એમની ઉપસ્થિતિનો અવસર આપવા માટે તેમના સ્વાગત માટે તૈયાર ઉભા છીએ. વિશ્વમાં બહુ ઓછા દેશો એવા હશે કે જે આજના સમયમાં ભારતની જેમ અવસર પ્રદાન કરે છે.
મોદીએ કૃષિની સાથે-સાથે ડિફેન્સ અને અંતરિક્ષ ક્ષેત્રોમાં વૈશ્વિક મૂડીને આકર્ષિત કરવા માટે તાજેતરમાં કરવામાં આવેલા સુધારાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે અર્થવ્યવસ્થાને વધારે ઉત્પાદક, રોકાણ માટે અનુકૂળ અને પ્રતિસ્પર્ધી બનાવી રહ્યા છીએ. ભારતમાં અનેક વિકસતા ક્ષેત્રોમાં પ્રગતિની શક્યતાઓ અને તકો રહેલી છે.
વડાપ્રધાને કહ્યું કે, અમે રોકાણકારોને ભારતમાં આવવા અને સીધું જ મૂડીરોકાણ કરવાની તક આપવા માટેના દ્વાર ખોલી રહ્યા છીએ. સરકારે સાથોસાથ લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રમાં સુધારા પણ કર્યા છે કે જે મોટા ઉદ્યોગો માટે પૂરક હશે.
વડાપ્રધાને કહ્યું કે, ડિફેન્સ સેક્ટરમાં મૂડીરોકાણની તકો છે. સ્પેસ ક્ષેત્રમાં પણ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટની તકો છે. આનો અર્થ લોકોના લાભ માટે સ્પેસ ટેક્નોલોજી વ્યાવસાયિક ઉપયોગ માટે વધારે સુલભ હશે. મહામારી બાદ વૈશ્વિક આર્થિક પુનરુત્થાનની વાતો મુખ્યત્વે ભારતીય અર્થવ્યવસ્થાના રિસ્ટોરેશન સાથે જોડાયેલી હોય છે.
તેમણે કહ્યું કે, ભારતીયો પાસે તે બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે જેને અશક્ય માનવામાં આવે છે. એ વાતમાં કોઈ આશ્ચર્ય નથી કે ભારતમાં આર્થિક સુધારાના સંકેત દેખાવા લાગ્યા છે. જ્યારે ભારત પુનરુદ્ધારની વાત કરે છે તો આ સારસંભાળ, કરુણાની સાથે પુનરુદ્ધાર થાય છે. આ એક એવું રિસ્ટોરેશન હોય છે કે જે પર્યાવરણ અને અર્થવ્યવસ્થા બંન્ને માટે ટકાઉ છે.
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે છેલ્લા 6 વર્ષમાં અનેક એવા નિર્ણયો લીધા છે કે જેનાથી આગળનો માર્ગ સરળ બની શકે. જીએસટી સહિત અનેક મોટા નિર્ણયો તેનું ઉદાહરણ છે. કોરોના સંકટ વચ્ચે અમે સામાન્ય માણસને મદદ કરવાની કોશિશ કરી છે. હવે અર્થવ્યવસ્થાને વધુ સરળ બનાવવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે રિલીફ પેકેજની જાહેરાત કરી. જેના દ્વારા અમે સીધા ગરીબોના ખાતામાં પૈસા જમા કરીએ છીએ. સરકાર તરફથી ગરીબોને મફતમાં ભોજન અપાઈ રહ્યું છે. હવે અનલોકના સમયમાં અમે મજૂરોને રોજગાર આપવાનું કામ કર્યું છે. તેનાથી રોજગાર પણ મળશે અને ગામડાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનશે.
ભારતમાં જે દવાઓ બની રહી છે તે દુનિયાની જરૂરિયાતોને પૂરી કરી રહી છે. આપણા દેશમાં કોરોના વાયરસની રસી પણ બનાવવામાં આવી રહી છે. વેક્સિન બનાવવામાં ભારતની મહત્વની ભૂમિકા રહેવાની છે. આજે દેશ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યો છે, એમ મોદીએ વધુમાં કહ્યું.
ત્રણ દિવસની આ વર્ચ્યુઅલ કોન્ફરરન્સનો થીમ ‘બી ધ રિવાઈવલ: ઈન્ડિયા એન્ડ અ બેટર ન્યૂ વર્લ્ડ’ હતો. ઈન્ડિયા ગ્લોબલ વીક 2020માં 30 દેશોના 5000 જણે ભાગ લીધો હતો.