પોલીસકર્મીઓની હત્યાના માસ્ટરમાઈન્ડ ગેન્ગસ્ટર વિકાસ દુબેની ‘ક્રાઈમ કુંડળી’

કાનપુરઃ આઠ પોલીસ કર્મચારીઓની કાનપુર શહેરમાં કરવામાં આવેલી હત્યાના સૂત્રધાર ગેન્ગસ્ટર વિકાસ દુબેની મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મંદિરમાંથી આજે નાટકીય રીતે ધરપકડ કરવામાં આવી છે. તેના પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. વિકાસની ધરપકડ થયા પછી તેના અપરાધો-ક્રાઇમ કુંડળી વિશે લોકોમાં ચર્ચા ચાલી રહી છે, જે બહુ ભયાનક છે. આવો જાણીએ તે વિશે…રાજ્યપ્રધાન સંતોષ શુક્લા હત્યાકાંડનો મુખ્ય આરોપી

કુખ્યાત અપરાધી વિકાસ દુબે વિકાસ પંડિત નામે પણ ઓળખાતો હતો. તે યુપીમાં કાનપુરના જિલ્લાના બિકરુ ગામનો રહેવાસી છે. કેટલાક દિવસો પહેલાં તેણે તેના ઘરને કિલ્લામાં ફેરવી નાખ્યું હતું. જેને હવે મોટા ભાગે તોડી પાડવામાં આવ્યું છે. કુખ્યાત હિસ્ટ્રિશીટર વિકાસ દુબે વર્ષ 2001માં રાજ્યપ્રધાન સંતોષ શુક્લા હત્યાકાંડનો મુખ્ય આરોપી પણ છે. સંતોષ શુક્લા વર્ષ 2001માં રાજનાથ સિંહ સરકારમાં પ્રધાન હતા. એવું કહેવાય છે કે વિકાસ દુબેએ ત્યારે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને સંતોષ શુક્લાની હત્યા કરી હતી.

ઇન્ટર કોલેજના એસિસ્ટન્ટ મેનેજર સિદ્ધેશ્વર પાંડેની હત્યામાં પણ વિકાસ દુબેનું નામ

વર્ષ 2000માં કાનપુરના શિવલી ક્ષેત્રમાં સ્થિત તારાચંદ ઇન્ટર કોલેજના એસિસ્ટન્ટ મેનેજર સિદ્ધેશ્વર પાંડેની હત્યામાં પણ વિકાસ દુબેનું નામ સંડોવાયેલું છે. કાનપુરના શિવલી ક્ષેત્રમાં જ વર્ષ 2000માં રામબાબુ યાદવની હત્યા કેસમાં વિકાસ દુબે પર જેલની અંદર રહીને કાવતરું રચવાનો આરોપ છે. તે ઉપરાંત વર્ષ 2004માં કેબલ વેપારી દિનેશ દુબેના હત્યા કેસમાં પણ વિકાસ આરોપી છે.

હવે વિકાસ દુબેએ પોતાના સાથીઓની સાથે મળીને પોતાના ગામમાં જ એક પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. ગઈ બીજી જુલાઈએ પોલીસ ટીમ પરના હુમલામાં એક DSP સહિત આઠ પોલીસ કર્મચારીઓ શહીદ થઈ ગયા હતા. એ ઘટના પછી વિકાસ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના સાતમા દિવસે એટલે કે આજે ઉજ્જૈનથી તેની ધરપકડ કરવામાં આવી હતી. દુબેની સામે 60 કેસ નોંધાયેલા છે. આ ક્રાઇમ કુંડળીથી તમે અંદાજ માંડી શકો છો કે વિકાસ દુબે કેટલો ખૂનખાર અપરાધી છે.