યૂપી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ગેંગસ્ટર વિકાસ દુબેનો ખાત્મો

કાનપુરઃ ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું હતું કે કાનપુર અથડામણના મુખ્ય આરોપી વિકાસ દુબેનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ વિકાસને ઉજ્જૈનથી રસ્તા માર્ગે કાનપુર લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે ગાડી પલટી ગઈ હતી.પોલીસના જણાવ્યા અનુસાર વિકાસ દુબેએ પોલીસની બંદૂક છીનવીને ભાગવાની કોશિશ કરી હતી, જે પછી પોલીસને ગોળી ચલાવવી પડી, જેમાં આરોપીનું મોત થયું છે. આ અકસ્માતમાં ચાર પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે.

કાનપુર રેન્જના IG મોહિત અગ્રવાલએ વિકાસ દુબે માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી છે.

 

કેવી રીતે થયું એન્કાઉન્ટર

પ્રાપ્ત માહિતી અનુસાર વિકાસ દુબેને લઈને રવાના થયેલી ગાડીઓમાં સૌથી આગળ ચાલી રહેલી ગાડીએ ગુના પાસેના ટોલ પ્લાઝાના સ્ટોપર પાસે ટક્કર મારી હતી. આ ટક્કર લાગ્યા પછી વિકાસ દુબેને લઈ જતા કાફલામાં ચાલી રહેલી અન્ય ગાડીઓએ બ્રેક મારી હતી, પણ આ ગાડીઓ અસંતુલિત થઈ હતી. વિકાસ દુબે બીજા નંબરની ગાડીમાં બે લોકોની વચ્ચે સીટ પર બેઠો હતો. તેની ગાડી ઊંધી વળતાં વિકાસે ભાગવાના પ્રયાસ કર્યા હતા. તેણે પોલીસ કર્મચારીની પિસ્તોલ કાઢી લીધી હતી અને ત્યાંથી તેણે ભાગવાના પ્રયાસ કર્યા હતા. એ દરમ્યાન પોલીસે એને મોતને ઘાટ ઉતારી દીધો હતો.