કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ લાખની નજીક, UPમાં ત્રણ દિવસ લોકડાઉન

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 26,506 નવા કેસ સામે આવ્યા છે અને 475 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત આઠમા દિવસે કોરોના સંક્રમણના 20,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 7,93,802 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 21,604 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 4,95,512 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,76,685એ પહોંચી છે. રિકવરી રેટ 62 ટકાથી વધુ થયો છે.

ઉત્તર પ્રદેશમાં લોકડાઉન

દેશમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના સંકટને લીધે ઉત્તર પ્રદેશની યોગી સરકારે સંપૂર્ણ રાજ્યમાં ફરી એક વાર લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશમાં 10 જુલાઈ એટલે કે આજ રાત 10 કલાકથી 13 જુલાઈ સુધી સવારના પાંચ કલાક સુધી ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે. જોકે લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓની મંજૂરી રહેશે. યુપીમાં કોરોના સંક્રમિતોનો આંકડો 32,000ને પાર થયો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 862 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

કોટનનો માસ્ક સૌથી વધુ સુરક્ષિત

સારા કોટન કપડાથી બનેલો ઘરેલુ માસ્ક કોરોના વાઇરસના ફેલાવાને રોકવામાં સૌથી વધુ સુરક્ષિત સાબિત થઈ શકે છે. અમેરિકાની ફ્લોરિડાની એટલાન્ટિક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કેટલાય પ્રકારનાં કપડાં અને માસ્કનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે કોટનના કપડાના ઘરેલુ માસ્ક પહેરવાથી સંક્રમણથી બચી શકાય છે.

 

વિશ્વમાં કોરોનાના કેસમાં પણ વધારો

કોરોના સંક્રમિતોની સંખ્યા વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી વિશ્વમાં 1.23 કરોડથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી વિશ્વમાં કોરોનાથી 5,57,395 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.