નવી દિલ્હીઃ મુંબઈ પરના આતંકવાદી હુમલાની આજે 12મી વરસી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત 2008ની 26 નવેમ્બરે કરાયેલા એ હુમલા દરમ્યાન થયેલાં જખમોને ક્યારેય ભૂલશે નહીં અને દેશ હવે નવી નીતિઓની સાથે આતંકવાદનો સામનો કરી રહ્યો છે. આ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીઓ અને નાગરિકોને મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. 2008ની 26 નવેમ્બરે પાકિસ્તાનના આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો, જેમાં 166 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આશરે 300 લોકો ઘાયલ થયા હતા.
પાકિસ્તાનસ્થિત લશ્કરે તૈયબા (LeT) સંગઠનના આતંકવાદીઓએ મુંબઈમાં ચાર દિવસ સુધી 12 સ્થળે ગોળીબાર કર્યો હતો અને બોમ્બ હુમલા કર્યા હતા. આ હુમલામાં છ અમેરિકન અને નવ આતંકવાદીઓ સહિત કમસે કમ 166 લોકો માર્યા ગયા હતા. ત્રાસવાદીઓએ તાજ હોટેલ, ટ્રાઈડેન્ટ (ઓબેરોય) હોટેલ, લિયોપોલ્ડ કેફે, યહુદીઓના પ્રાર્થના સ્થળ નરિમાન (છાબડ) હાઉસ, છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ હુમલા કર્યા હતા.
મોદીએ આજે દેશના બંધારણની શક્તિ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસ રોગચાળો ફેલાયો હોવા છતાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજવી શક્ય બની છે. દુનિયાના દેશોએ પણ જોયું કે કોવિડ-19 સંકટમાં પણ આપણું ચૂંટણી તંત્ર કેટલું મજબૂત છે. આવા સમયમાં ચૂંટણી યોજવી, સમય પર પરિણામો જાહેર કરવા અને નવી સરકારની રચના સુચારુ રૂપે કરવી એ સરળ કામ નથી. આપણા બંધારણમાંથી આપણને તાકાત મળે છે અને મુશ્કેલ કાર્યોને સરળ બનાવે છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.