INDIA ગઠબંધન સરકાર વિરુદ્ધ લોકસભામાં લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો આજે પાંચમો દિવસ છે. મણિપુર મુદ્દે કોંગ્રેસે સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પાઠવી છે. આ સિવાય BRS પાર્ટી દ્વારા પણ મણિપુર મુદ્દે અલગથી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકાર પરથી લોકોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે વડા પ્રધાન મોદી મણિપુર પર પ્રતિક્રિયા આપે, પરંતુ તેઓ વાત નથી સાંભળતા. આવામાં અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે. લોકસભામાં વિપક્ષ દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા મંજૂરી આપવામાં આવી છે. જોકે સ્પીકરે કહ્યું છે કે ચર્ચા કર્યા પછી તારીખ જાહેર કરવામાં આવશે.  

વાસ્તવમાં મણિપુરમાં ત્રીજી મેથી હિંસા જારી છે. મણિપુર મુદ્દે ચોમાસુ સત્રમાં હંગામો જારી છે. વિપક્ષ આ મુદ્દે વડા પ્રધાન મોદીને સંસદમાં નિવેદન અને વિસ્તૃત ચર્ચાની માગ કરી રહ્યો છે, જ્યારે સરકાર  ગૃહપ્રધાન અમિત શાહના જવાબની સાથે મર્યાદિત સમય માટે તૈયાર છીએ, પરંતુ વિપક્ષ આ મુદ્દા પર વડા પ્રધાન મોદીના નિવેદન પર અડ્યો છે. આવામાં સંસદનાં બંને ગૃહોમાં સરકાર અને વિપક્ષની વચ્ચે અવરોધ છે. વિપક્ષના હંગામા વચ્ચે રાજ્યસભાને બપોર સુધી સ્થગિત કરવામાં આવી હતી.

વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ કેમ?

મોદી સરકાર બહુમતમાં છે. આવામાં એ સ્પષ્ટ છે કે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ ટકી નહીં શકે, તેમ છતાં વિપક્ષનું માનવું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ વખતે વડા પ્રધાને સંસદમાં ગૃહમાં જવાબ આપવો પડશે. વિપક્ષ જાણે છે કે આ પ્રસ્તાવ પાસ નહીં થાય, તેમ છતાં લોકસભામાં લાવવામાં આવે છે.