નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એકહથ્થુ સત્તાવાદ, ત્રાસવાદ, હિંસક ઉગ્રવાદ અને આર્થિક જુલમમાંથી ઉદ્દભવતા જેવા અનેક પ્રકારના જોખમો સામે લોકશાહી અને આઝાદીની રક્ષા કરતા G7 (ગ્રુપ ઓફ સેવન) સમૂહના દેશો તથા એમના સહયોગીઓનું ભારત કુદરતી સાથી છે. ઉલ્લેખનીય છે કે, G7 સામે ચીને જોરદાર વિરોધ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે મુઠ્ઠીભર દેશો મળીને આખી દુનિયાનું સંચાલન કરે એ તેને મંજૂર નથી. અમારા માટે અમીર અને ગરીબ બંને પ્રકારના દેશો સમાન છે.
મોદીએ આ ટિપ્પણી એમના વર્ચ્યુઅલ સંબોધનમાં કરી હતી. દુનિયાના સાત સૌથી સમૃદ્ધ રાષ્ટ્રો – અમેરિકા, બ્રિટન, જાપાન, કેનેડા, ફ્રાન્સ, જર્મની અને ઈટાલીએ રચેલા G7 ગ્રુપના વડાઓના કોર્નવોલ (બ્રિટન)માં યોજાઈ ગયેલા શિખર સંમેલનના સમાપન સત્ર વખતે મોદીએ સંબોધન કર્યું હતું. મોદીને અગ્રગણ્ય વક્તા તરીકે સંબોધન કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. મોદીએ આધાર, ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર (ડીબીટી), જન ધન આધાર મોબાઈલ (JAM) જેવી એપ્લિકેશન્સ મારફત ભારતમાં સરકારે અમલમાં મૂકેલી ડિજિટલ ટેક્નોલોજીઓની દેશના વહીવટમાં અને સામાજિક સશક્તિકરણ ક્ષેત્રોમાં કેવી ક્રાંતિકારી અસર ઊભી થઈ છે એની જાણકારી આપી હતી.