નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોન-અલાઈન્ડ મૂવમેન્ટ (NAM) સમૂહના દેશોના વડાઓની વિડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને સંબોધન કર્યું હતું.
વડા પ્રધાને જણાવ્યું કે, કોરોના વાઈરસ મહામારી સામે ભારતે આદરેલી લડાઈએ બતાવી આપ્યું છે કે લોકશાહી, શિસ્ત અને નિર્ણાયકતાનો સમન્વય સાધીને કેવું સરસ જનઆંદોલન તૈયાર કરી શકાય છે.
મોદીએ કહ્યું કે, ઘણા દાયકાઓ બાદ આજે ફરીથી માનવજાત સૌથી ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. આવા સમયે NAM દેશો જાગતિક એકતાને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી શકે છે.
કોરોના વાઈરસ કટોકટી સામેના જંગમાં ભારતની સક્રિય ભૂમિકા વિશે મોદીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર જગતને એક પરિવારની દ્રષ્ટિએ જુએ છે. અમે જેમ અમારા પોતાના નાગરિકોની સંભાળ લઈએ છીએ તેમ અન્ય દેશોને પણ મદદ કરીએ છીએ.
મોદીએ કહ્યું કે ભારત ‘દુનિયાનું ફાર્મસી’ છે. અમારા દેશે 120થી વધુ દેશોને દવાઓ મોકલી છે.
અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવની પહેલથી અને એમના નેતૃત્ત્વમાં આ બેઠક યોજાઈ હતી. પાકિસ્તાન તરફથી આ બેઠકમાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વી ભાગ લીધો હતો.
આ પહેલાં 2016 અને 2019માં વડા પ્રધાન મોદીએ NAM દેશોની બેઠકમાં ભાગ નહોતો લીધો.
NAM સંગઠનમાં એશિયા, આફ્રિકા ખંડ તથા લેટિન અમેરિકાના દેશો સહિત કુલ 120 દેશો સામેલ છે.