સુરતમાં પોલીસ-પ્રવાસી મજૂરો વચ્ચે અથડામણઃ અશ્રુવાયુ છોડાયો

સુરતઃ સમગ્ર દેશમાં લોકડાઉન-3ના આજથી થયેલા પ્રારંભ સાથે ગુજરાતના પ્રવાસી મજૂરો તેમના વતન જવાનું શરૂઆત થઈ, પરંતુ વાહનવ્યવહાર ઠપ થઈ જતાં પરપ્રાંતીય મજૂરોએ મનેકમને સુરતમાં શહેરમાં રહેવાની ફરજ પડી. વળી, એમાં લોકડાઉનનો તબક્કો લંબાઈ જતાં આ મજૂરોની ધીરજ ખૂટી ગઈ. પોતાના વતન પાછા ફરવા માટે તેમણે ઉધામા શરૂ કર્યા. પરિણામે શહેરમાં પોલીસો અને પ્રવાસી મજૂરો વચ્ચે ઘર્ષણ થયું. આ ઘટના આજે સુરત જિલ્લાના વરેલી ગામ પાસે બની હતી. ત્યાર બાદ મજૂરોએ પોલીસો પર પથ્થરમારો કરતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. ટોળાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં પોલીસે ટિયર ગેસના 10 શેલ છોડ્યા હતા. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ ઘટનાના સંબંધમાં પોલીસે 70 જણની ધરપકડ કરી.

 ત્રણેક હિંસાના બનાવ

પ્રવાસી મજૂરોએ ભૂખમરાથી બચવા અને વતનમાં જવાની જિદ્દ સાથે હોબાળો મચાવવાનો શરૂ કર્યો હતો. પોલીસો સમજાવટથી કામ લઈ રહ્યા હતા, તેમ છતાં શહેરમાં ત્રણેક હિંસાના બનાવ બન્યા હતા. સુરત-કડોદરા રોડ પર રહેલાં વાહનોને પણ નુકસાન થયું હતું.

મોટા ભાગના મજૂરો બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિશાના

જે લોકો દેખાવો કરી રહ્યા હતા, એ મજૂરો મોટે ભાગે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિશાના હતા. આ મજૂરોએ કહ્યું હતું કે તેઓ વતન પરત ફરવા માગે છે, પણ તેમની પાસે ટિકિટ ખરીદવાના પૈસા પણ નથી.

વરેલીમાં તોડફોડ

પલસાણા તાલુકાના વરેલી ગામમાં પરપ્રાંતીય મજૂરો વતન જવાની માગ સાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરી આવ્યા હતા. હજારેકથી વધુ લોકોનું ટોળું રસ્તા પર આવ્યા બાદ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.  પોલીસનો કાફલો વધારે ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે તોફાને ચડેલા ટોળા પર ટિયર ગેસના સેલ છોડ્યા હતા. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

ખજોદમાં મજૂરો ઉશ્કેરાયા

ખજોદમાં નવ નિર્માણાધીન ડાયમંડ બુર્સનું નિર્માણ કરતા કારીગરો પાસેથી રાશન અને શાકભાજીના વધુ ભાવ લેવાતા હોવાને નામે હોબાળો થયો હતો. એ ધાંધલ બાદ કામ બંધ હતું જ્યારે મહારાષ્ટ્રમાંથી 200 જેટલા મજૂરોને ફરી લાવવામાં આવતાં ફરીથી ડાયમંડ બુર્સના મજૂરોએ હોબાળો મચાવ્યો હતો.

લોકડાઉન દરમિયાન શહેરમાં દરેક જગ્યાએ હોબાળા મચ્યા

શહેરમાં પરપ્રાંતીય મજૂરો ડાઈંગ, એમ્બ્રોઇડરી, લૂ્મ્સ, ઝરી અને ડાયમંડ સહિતના ઉદ્યોગ-ધંધામાં કામ કરે છે. પીપોદરાથી લઈને વેડ રોડ, એકે રોડ, બરોડા પ્રિસ્ટેજ, પાંડેસરા, ઉધના અને સચિન તમામ વિસ્તારોમાં પ્રવાસી મજૂરોએ ઉધામા કર્યા હતા

સુરતમાં 18 લાખ પરપ્રાંતીય મજૂરો

હીરા અને ટેક્સટાઈલ હબ મનાતા સુરતમાં પરપ્રાંતિય મજૂરો પણ મોટી સંખ્યામાં કામ કરે છે. અંદાજે 18 લાખ મજૂરોમાંથી ઓડિશાના સાત લાખ, મધ્ય પ્રદેશના એક લાખ, ઉત્તર પ્રદેશના 2.5 લાખ, બિહારના 2.5 લાખ, મહારાષ્ટ્રના 1.5 લાખ, રાજસ્થાનના 2 લાખ સહિતના પ્રવાસી મજૂરો શહેરની વિવિધ ઉદ્યોગો-કારખાનાઓ, જીઆઇડીસી અને યુનિટોમાં કામ કરે છે. લગભગ બધી જ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ઓડિશાના મજૂરો કામ કરી રહ્યા છે.

ત્રણ લાખથી વધુ લોકોને મોકલાયા 

સરકાર દ્વારા છેલ્લા થોડા દિવસોથી પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવા માટેનાં દ્વાર ખોલવામાં આવ્યાં છે. ઓડિશા માટે વિશેષ શ્રમિક ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે યુપી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં લગભગ ત્રણ લાખથી વધુ મજૂરો વતન જતા રહ્યા છે. જોકે હજી બિહાર, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના મજૂરોને મંજૂરી ન મળી હોવાથી તેઓ વતન જવા માટે ઉતાવળા થયા છે.