ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો; મોંઘવારીની ચિંતા વધી

નવી દિલ્હીઃ એક તરફ રશિયા અનાજ સપ્લાઈને લગતા બ્લેક સી સોદામાંથી ખસી જતાં દુનિયાના દેશોમાં અનાજની સપ્લાઈને ફટકો પડવાની ભીતી છે ત્યારે બીજી તરફ ભારતે તાત્કાલિક અસરથી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે આ પ્રતિબંધ બિન-બાસમતી સફેદ ચોખાની વેરાઈટીઓ પૂરતો જ સીમિત છે. તે છતાં પ્રતિબંધના ભારત સરકારના નિર્ણયને કારણે દુનિયાના દેશોમાં ચોખાના પુરવઠા પર માઠી અસર તો જરૂર પડશે.

ભારત ચોખાની જે કુલ નિકાસ કરે છે તેમાં આશરે એક કરોડ ટન જેટલા બિન-બાસમતી સફેદ અને ટૂકડા ચોખાનો સમાવેશ થાય છે. કેન્દ્રના અન્ન મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે દેશની બજારોમાં બિન-બાસમતી સફેદ ચોખાની ઉપલબ્ધિ પર્યાપ્ત પ્રમાણમાં બની રહે તેમજ દેશની બજારોમાં ચોખાના ભાવ વધે નહીં એટલા માટે સરકારે ચોખાની નિકાસને લગતી નીતિમાં સુધારો કર્યો છે.

દુનિયાભરમાં ચોખા લગભગ 3 અબજ લોકો માટે મુખ્ય અનાજ ગણાય છે. 90 ટકા ચોખાનું ઉત્પાદન એશિયામાં થાય છે. ભારત દુનિયામાં ચોખાનો નંબર-1 નિકાસકાર દેશ છે. દુનિયાભરમાં ચોખાની જેટલી નિકાસ કરાય છે તેમાં 40 ટકા હિસ્સો ભારતનો છે.

ગયા વર્ષે ભારતે ચોખાની વિક્રમસર્જક આંકમાં નિકાસ કરી હતી, જે દુનિયામાં ચોખાની નિકાસ કરતા બીજા ચાર મોટા દેશના સંયુક્ત શિપમેન્ટ કરતાંય વધારે હતી. ભારતે ગયા વર્ષે 22.2 મિલિયન મેટ્રિક ટન ચોખાની નિકાસ કરી હતી, જે ભારતનો નવો રેકોર્ડ છે. પરંતુ, ભારતે હવે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે તેથી તે જે 140થી વધારે દેશોમાં ચોખાની નિકાસ કરે છે ત્યાં ચોખાના ભાવમાં વધારો થશે.